અમદાવાદના મેઘાણીનગરનો આરોપી સંજય પરમાર પાટણમાં હત્યા કરી સુરત ભાગ્યો હતો, એલ.સી.બી.એ પકડી પાડી સિટી ‘એ’ ડિવિઝનને સોંપ્યો
પાટણ, ૨૦ જુલાઈ:
પાટણ શહેરની એક હોટલમાં થયેલી મહિલાની ઘાતકી હત્યાના ગુન્હાનો પાટણ એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) એ ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને સીસીટીવી ફૂટેજના આધારે કિલરને સુરત રેલ્વે સ્ટેશન પરથી દબોચી લીધો છે.
ગળું દબાવીને કરી હતી હત્યા
ગત તારીખ ૧૭/૦/૨૦૨૬ના રોજ પાટણ સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ‘હોટલ 89’ (HOTEL 89) માંથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી. શરૂઆતમાં અકસ્માત મોતનો ગુન્હો નોંધી મહિલાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત ગળું દબાવવાના કારણે નીપજ્યું હોવાનું સામે આવતા જ સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. આ મામલે પાટણ સિટી ‘એ’ ડિવિઝન પોલીસે બી.એન.એસ. કલમ-૧૦૩(૧) અને ૫૪ હેઠળ હત્યાનો ગુન્હો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન
આ વણઉકેલાયેલા મર્ડર કેસને તાત્કાલિક ઉકેલવા માટે બનાસકાંઠા રેન્જના આઇજીપી પરિક્ષીતા રાઠોડ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. જેના પગલે પાટણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરે એલ.સી.બી.ના જવાનોની અલગ-અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી.
શહેરમાં બનેલી આ ઘટનાના સ્થળ અને આજુબાજુના તમામ સી.સી.ટી.વી. કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. સાથોસાથ ટેકનિકલ એનાલિસિસની મદદ લેતાં પોલીસને પાકી બાતમી મળી હતી કે આ હત્યા કરનાર આરોપી સંજયકુમાર અરવિંદભાઇ પરમાર (રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, મેઘાણીનગર, અમદાવાદ) હાલ સુરત રેલ્વે સ્ટેશન પર હાજર છે. બાતમીના આધારે પાટણ એલ.સી.બી.ની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી સંજય પરમારને સુરત રેલ્વે સ્ટેશન ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આ અંધારી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી નાખવામાં પાટણ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. ચૌધરી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી. સોલંકી, એ.એસ.આઇ. જાલુભા બાલસંગજી, અ.હેડ.કો. મૌલીકકુમાર કિર્તિકુમાર, અ.હેડ.કો. અતુલકુમાર બળદેવભાઇ, અ.હેડ.કો. કેતનકુમાર ગોવિંદભાઇ, અ.હેડ.કો. દિલિપસિંહ સુરાજી, અ.હેડ.કો. જીતેન્દ્રકુમાર ગોવિંદભાઇ, આ.પો.કો. કિરણભાઇ ભલાભાઇ, આ.પો.કો. મનુભાઇ કરશનભાઇ, વુ.પો.કો રોશનીબેન મહેન્દ્રકુમાર, આ.પો.કો. કુંદનસિંહ દાનુભાઇ, ડ્રા.પો.કો. બિપીનકુમાર વેરશીજી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. હાલ એલ.સી.બી.ની ટીમે આરોપીને પકડીને આગળની કાયદેસરની કાર્યવાહી અને પૂછપરછ માટે પાટણ સિટી ‘એ’ ડિવિઝન પોલીસને સોંપ્યો હોવાની માહિતી મળેલ છે.




