ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમિની એસોસિએશન દ્વારા શાળાના ૨૨૦ વિદ્યાર્થીઓને સ્વેટર તથા બુટ-મોજાનું વિતરણ…

પાટણઃ ઉત્તર ગુજરાત યુવક મંડળ, પાટણ સંચાલિત ૧૦૦ વર્ષ જૂની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ શાળામાં ભૂતપૂર્વ વિદ્યાર્થી એસોસિએશન ‘ડૉ. પંડ્યા અભ્યાસગૃહ એલ્યુમિની એસો.’ તરફથી વિદ્યાર્થીઓને સ્વેટર તથા બુટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું હતું. શ્રી મહેશભાઇ રમણીકલાલ શાહના સહકારથી યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે.કે. પટેલ તથા એલ્યુમિની એસો.ના પ્રમુખ અશોકભાઇ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન મંત્રી ડૉ. અતુલભાઇ અગ્રવાલે એલ્યુમિની એસોસિએશનની સ્થાપના બાદ હાથ ધરાયેલ વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. તેમણે જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં શાળાના વિદ્યાર્થીઓ માટે સ્કૂલ બેન્ચીસ, ડ્રેસ, બેગ, પ્રવાસ, ભોજન-નાસ્તો, તેમજ મેડિકલ તપાસ વગેરે સેવાઓ આપવામાં આવી છે. આજે મહેશભાઇ શાહના સૌજન્યથી તમામ વિદ્યાર્થીઓને સ્વેટર અને બુટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું.

એલ્યુમિની એસો.ના પ્રમુખ અશોકભાઇ વ્યાસે શાળાના વિકાસ માટે એસોસિએશન હંમેશા તત્પર રહેશે એવી ખાતરી આપી. સાથે જ ટૂંક સમયમાં શાળાના બાળકોને શૈક્ષણિક પ્રવાસ યોજવાની જાહેરાત પણ કરી.

શાળાના આચાર્ય જશોદાબેન પટેલે કાર્યક્રમનું સ્વાગત પ્રવચન આપ્યું હતું. મહેમાનોના હસ્તે કુલ ૨૨૦ વિદ્યાર્થીઓને સ્વેટર તથા બુટ-મોજાનું વિતરણ કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લાના તરણ સ્પર્ધામાં દ્વિતીય સ્થાન મેળવનારી વિદ્યાર્થિની પ્રિન્સી અમૃતજી ઠાકોરનું સન્માન કરીને રોકડ ઇનામ અપાયું.

કાર્યક્રમમાં એલ્યુમિની એસોસિએશનના ઉપપ્રમુખ હર્ષદભાઇ ખમાર, ખજાનચી અજય ખમાર, મોતીભાઇ પટેલ, સુનિલભાઇ સોની, હેમંત કાટવાલા, ડૉ. પિયુષ વ્યાસ, શંકરભાઇ પટેલ અને ડૉ. વીરલ શાહ ઉપસ્થિત રહ્યા હતા. અમેરિકામાં વસતા ભૂતપૂર્વ વિદ્યાર્થી મોતીભાઇ પટેલે એક અનાથ બાળકીના કોલેજ સુધીના શિક્ષણનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.

કાર્યક્રમનું સંકલન શિક્ષિકા પ્રિયંકાબેને કર્યું હતું, જ્યારે આભારવિધી હેમંતભાઇ કાટવાલાએ નિભાવેલી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here