કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પાટણ શહેર તેમજ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે
પોલીસ દ્વારા રેલવે સ્ટેશન, એસ.ટી. બસ સ્ટેશન, હોટલો, ધાબાઓ અને અન્ય ભીડભાડવાળા વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જાહેર સ્થળોએ આવતા-જતા મુસાફરો અને શંકાસ્પદ સામાનની ચકાસણી કરવામાં આવી રહી છે.
આ સુરક્ષા અભિયાનમાં બોમ્બ સ્ક્વોડ, સ્નિફર ડૉગ્સ સ્ક્વોડ, સ્થાનિક ક્રાઇમ બ્રાંચ (LCB) ટીમ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) ટીમ સહિતની પોલીસ ટીમો જોડાઈ છે. આ ટીમો દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર વાહનો અને શંકાસ્પદ વસ્તુઓની તપાસ સાથે પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે.
સાવચેતીના પગલાના ભાગરૂપે પાટણ શહેર એ ડીવીઝન પોલીસ તેમજ બીડીડીએસ અને ડોગ સ્કોડ દ્વારા વિશ્વ વિરાસત રાણકીવાવ ખાતે આજુબાજુની અવાવરુ જગ્યાઓ, બહારનું પાર્કિંગ રોડ સાઈડ અને અંદરના પાર્કિંગ તેમજ સ્ટેપ વેલ નું ચેકિંગ કરવામાં આવ્યુ હતું જે દરમિયાન કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવી નહતી.
પાટણ જિલ્લો સરહદ નજીક આવેલો હોવાથી સુરક્ષાના ભાગરૂપે સરહદી વિસ્તારોમાં પણ તપાસ અને ચેકિંગની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવી છે. કોઈ પણ અસામાજિક તત્વો પાટણ જિલ્લામાં ઘૂસણખોરી ના કરે તેની તકેદારી રાખવા પોલીસ તંત્ર સતત પેટ્રોલિંગ કરી રહ્યું છે.
પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાં પોલીસ દ્વારા ચેકિંગ અને તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે પાટણ જિલ્લાના નાગરિકોને પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તુરંત પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે…..!



