કોંગ્રેસના આગેવાનો, ટોળામાં હાજર વેપારી, તબીબો અને પ્રબુધ્ધ શહેરીજનો સામે ગુંડા શબ્દોનો ઉપયોગ કરવા બદલ બદનક્ષીનો દાવો કરાશે
પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલ અને પાટણ નગરપાલિકાના મહિલા ચીફ ઓફિસર હિરલ ઠાકર વચ્ચે કેટલાક દિવસોથી ધારાસભ્યના જન્મદિવસના હોર્ડિંગ્સ દૂર કરવાના મુદ્દાને લઈને કડવાસ સાથે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન ચીફ ઓફિસર દ્વારા ધારાસભ્ય માટે ગુંડા જેવો શબ્દ પ્રયોગ કરાયો હોવાને લઈને ધારાસભ્યએ આ બાબતે ચીફ ઓફિસરને અદાલતના કઠેડામાં ઊભા કરવા તેમની સામે બદનક્ષીની ફરિયાદ કરવાની વિચારણા હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
પાટણ શહેરમાં નગરપાલિકાના સત્તાધીશોની અણ આવડત કે પ્રજાકીય પ્રશ્નો તરફ ઉપેક્ષાવૃતિને લઈને ડબલવેરો ભરી રહેલી પ્રજા રોડ, રસ્તા, લાઈટ, પાણી, સ્વચ્છતા, ગટર, ટ્રાફિક, રખડતાં ઢોર સહિતના પ્રશ્ન અંગે લાંબા સમયથી હાલાકીનો સામનો કરી રહી છે., એવામાં ચીફ ઓફિસર અને ધારાસભ્ય વચ્ચે હોર્ડિંગ્સના મુદ્દાને લઈને ચકમક ઝરતા હવે મામલો વધુ પેચીદો બની રહ્યો છે.
ધારાસભ્ય કિરીટ પટેલ દ્વારા આજે આ સમગ્ર વિવાદિત બાબતોને લઈને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તેમણે જિલ્લા સંકલન સમિતિમાં રજૂ કરેલા પ્રશ્નો બાબતે કેટલાક જવાબોમાં ચીફઓફિસર દ્વારા ખોટા જવાબો રજૂ કરીને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરાયો હોવાનો આક્ષેપ કર્યો હતો. એટલું જ નહીં ચીફ ઓફિસર પોતે પાટણ નગરની સિકલ બદલવા માગતા હોવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ તેમણે આ દિશામાં અત્યાર સુધીમાં શું કર્યું તે અંગે પ્રજાજનો જાણવા માગી રહ્યા હોવાનું જણાવ્યું હતું.
ડો. કિરીટ પટેલ કહ્યું કે સંકલન સમિતિની બેઠકમાં તેમણે પાટણમાં તારીખ ૨૦ જુલાઈના રોજ મહાલક્ષ્મી પ્લાયવુડ ખાતે આગ લાગેલ ત્યારે ૪૨ મિનિટ બાદ ફાયર ફાઈટર રવાના થયેલ આવી ગંભીર બાબતે કરેલ કાર્યવાહી અંગે સંકલનમાં કરેલ પ્રશ્નનો એવો જવાબ રજૂ કરાયો કે નગરપાલિકાના ફાયર શાખાના જુના
અને બીન કાયમી કર્મચારી તથા નવા અને કાયમી કર્મચારીઓ વચ્ચે આંતરિક તકરાર ચાલતી હોવાના કારણે ફાયર ફાઈટર પહોંચતા થોડી વાર થઈ હતી. જે અંગે ધારાસભ્યએ જણાવ્યું કે જો ચીફ ઓફિસર તેમના વિભાગમાં આંતરિક તકરાર નો નિવારણ ના લાવી શકતા હોય તો એમની પાસે પ્રજા શું અપેક્ષા રાખી શકે? આ ઉપરાંત પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી કેનાલમાં દશામાની અસંખ્ય મૂર્તિઓનું વિસર્જન કરાતા લોકોને દૂષિત પાણી પીવું પડયું હોવા બાબતે ની રજૂઆત અંગે સીઓ દ્વારા એવો જવાબ અપાયો કે પાટણ નગરપાલિકા દ્વારા કેનાલની સફાઈ કરવામાં આવે છે પરંતુ ગુજરાત પાણી પુરવઠા બોર્ડ પાટણ દ્વારા સફાઈ થતી નથી. પાટણમાં રખડતા ઢોર પકડવા ગંદકી ટ્રાફિક સંકલન અને રોડ પરના ખાડાઓ પૂરવા કોઈ આયોજન કરાયેલ છે કે કેમ તે અંગેના પ્રશ્ન અંગે નગરપાલિકા દ્વારા એવો જવાબ કરાયો કે સરકાર દ્વારા ભારે વરસાદની ગ્રાન્ટ હેઠળ રીસરફેસિંગ ની અંદાજે ૨૦૦ લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. જેના માટે ટેન્ડરિંગ કરાતા બે ઇજારદાર દ્વારા ટેન્ડરમાં ભાવો ભરાયેલ તેમ છતાં તેમણે કેમ કોઈ એજન્સીને કામ સોંપ્યુ નથી કેમ ? એમ ધારાસભ્યએ સવાલ કર્યો હતો. અને જો આ ગ્રાન્ટ વાપરી હોત તો લોકોને ખાડાના કારણે હેરાન પરેશાન થવું ન પડત.
એમણે વધુમાં કહ્યું કે જાહેરાત માટેના હોર્ડિંગ્સના ટેન્ડરમાં ૭૧ બોર્ડ ઊભા કરવાની જોગવાઈ હતી પરંતુ ઠેકેદારને માત્ર ૩૫ હોર્ડિંગ્સ ઉભા કરવા દેવામાં આવેલ છે જે અંગે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવેલ છે. ચીફ ઓફિસરને પત્રકારો ધ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે હું મીટીંગમાં જતી હતી ત્યારે મે બોર્ડ જોયા અને નગરપાલિકાને આર્થિક નુકશાન ના થાય એટલે બોર્ડ ઉતાર્યું જો ચીફ ઓફિસર સાચા હોય તો જવાબ આપે કે, સાંજે ૭ વાગ્યા પછી કઈ ઓફિસમાં કઈ મીટીંગ હતી તેનો એજન્ડા રજૂ કરે અને નગરપાલિકાના અધિનિયમ ની કલમ ૧૫૫ નીચે મને કોઈના ઘરમાં ઘુસવાના પણ અધિકાર છે તો કલમ ૧૫૫ શાના માટે છે એનો ખુલાસો કરે નગરપાલિકાનું આર્થિક નુકશાન બચાવવા માંગતા હોય તો એક મહિના પહેલા કોગ્રેસ શહેર પ્રમુખ દીપકભાઈ પટેલે ગેરકાયદેસર રીતે લગાવેલા ૧૦૦ થી વધુ હોર્ડિંગ્સ નુ લીસ્ટ ફોટા સાથે આપેલ છે. આજે પણ આ હોર્ડિંગ્સ હયાત છે તેઓ સામે કેટલો દંડ વસુલ કરવામાં આવ્યો શું કાર્યવાહી કરવામાં આવી તે જણાવે વળી પાટણના સૂર્યનગર વિસ્તારમાં નવીન બોર બનાવવામાં આવ્યો છે જે શરૂ કર્યા પહેલા જ ફેલ થઈ ગયો હોવા છતાં તેના પૈસા ચૂકવી દેવામાં આવ્યા છે. જે પૈસા લોકોના ટેક્સના નાણાંમાંથી ચૂકવાયા હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું. વળી નગર પાલિકામાં લાખો રૂપિયાના ખર્ચે રોડ સ્વીપર મશીન લવાયા છતાં તે આજે પણ બિન ઉપયોગી છે અને સફાઈ કાર્યમાં વપરાતા નથી. જેથી નગરપાલિકા મોટા હાથી બાંધીને ખોટા ખર્ચા કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે અગાઉ અંબાજી નગર ના એરીયામાં કોન્ટ્રાક્ટર દ્વારા બનાવાએલ રોડ ટૂંક સમયમાં તૂટી જતા ભાજપ અને કોંગ્રેસના સભાસદો એ તેનો વાંધો લીધો હતો છતાં તેના નાણા અને સૂર્યનગરનો નવો બોર ફેલ થવા છતાં તેના બિલની ચુકવણી કરી દેવામાં આવી હોવા બાબતે પણ નગરપાલિકાના વહીવટ સામે ગંભીર સવાલો કર્યા હતા.
ડો. કિરીટ પટેલ એ ચીફ ઓફિસર સામે પ્રશ્ન કર્યો હતો કે શહેરમાં રખડતા ઢોર પકડવા જતી નગરપાલિકાની ટીમ પર અસામાજિક તત્વો હુમલો કરે છે અને પોલીસ તેમને સહકાર આપતી નથી ત્યારે પોલીસ પોતાના કબ્જામાં હોય તે રીતે દેખાવ કરતા ચીફ ઓફિસર ધારાસભ્યના હોર્ડિંગ્સ ઉતારવા પોલીસની ૧૦-૧૦ ગાડીઓ લાવી શકતા હોય તો રખડતા ઢોર કે જે લોકોને પજવે છે તેને પકડવા તેઓ કેમ પોલીસ લાવી શકતા નથી.?
ચીફ ઓફિસર એ એવું કહ્યું કે ૨૦૦ રપિયાના બેનર માટે ધારાસભ્ય નો જન્મદિવસ બગાડ્યો તેમાં મારી જીત છે . ચીફ ઓફિસર કોઈના દિવસો બગાડવા આવ્યા છે કે પાટણ ની જનતા ના દિવસો સુધારવા તે અંગે ના જવાબો રજૂ કરવા કયું છે. તેમજ ધારાસભ્ય અને કાર્યકરો માટે ગુંડા ઓ જેવા શબ્દોનો ઉપયોગ કરવા બદલ કાનૂનું કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યુ હતું.
ધારાસભ્યએ પ્રેસ કોન્ફરન્સ માં વર્તમાન ચીફ ઓફિસર સામે પ્રજાના પ્રશ્નો સાથે ગંભીર સવાલો રજૂ કર્યા હતા.




