પાટણના વોર્ડ નંબર ૪ ના રેલવે સ્ટેશન વિસ્તારમાં ઓછા પ્રેશર થી પાણી આવતું હોવાના મામલે મહિલાઓએ પાલિકા ગજવી..

ત્રણ દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પાલિકા પ્રમુખ ની ઓફિસમાં ભૂખ હડતાળ પર બેસવાની ચિમકી..

પાટણ તઃ.૧૫
ભાજપ શાસિત પાટણ નગર પાલિકા શહેરીજનો
ને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. પાટણ શહેરના વોર્ડ નંબર ૪ના રેલવેસ્ટેશન વિસ્તારમાં છેલ્લા ચાર માસથી ઓછા પ્રેશર થી અને ઓછું પાણી આવતા સ્થાનિક રહીશોએ
પાટણના ધારાસભ્ય ની ઓફિસે જઈ રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્યએ આ પ્રશ્ન નગર પાલિકા નો હોવાનું જણાવતા વિસ્તારની મહિલાઓએ વિપક્ષના નગરસેવક ભરત ભાટીયા અને શહેર કોંગ્રેસ પ્રમુખ ને સાથે રાખી નગરપાલિકા ખાતે પહોંચી હતી અને પાણી નહીં તો વેરો નહીં જેવા સૂત્રોચ્ચાર પોકારી પાલિકાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. ત્યારબાદ નગરપાલિકાના પ્રમુખને મળી આ વિસ્તારમાં માત્ર ૨૦ જ મિનિટ પાણી આવતું હોવાથી તેઓને પીવાના પાણી અને ઘર વપરાશના પાણી માટે ખૂબ જ હાલાકી પડતી હોવાથી પાણીના સમયમાં વધારો કરી પૂરતા પ્રેસરથી પાણી આવે તે દિશામાં પ્રયત્નો કરવા માંગ કરી હતી ત્યારે પાલિકા પ્રમુખે ત્રણ દિવસની મહેતલ માંગી તેઓના પ્રશ્નનું નિરાકરણ લાવવાની હૈયા ધારણા આપી હતી.
આ રજૂઆત દરમિયાન પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જો ત્રણ દિવસમાં પીવાના પાણીની સમસ્યા નો કાયમી ઉકેલ નહીં આવેતો રેલવે સ્ટેશન વિસ્તારના સ્થાનિક રહીશો ને સાથે રાખી ને નગરપાલિકાના પ્રમુખની ઓફિસમાં ભૂખ હડતાલ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here