મૃતક ખાલકપુરા વિસ્તારમાં રહેતા વિકાસ પ્રજાપતિ હોવાનું આવ્યું સામે, પરિવારમાં શોકનું મોજું…
પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતે મોતનો ગુનો નોંધી શરૂ કરી સઘન તપાસ…
પાટણ શહેરમાં આવેલા સિદ્ધિ સરોવર ખાતેથી એક યુવકનો નિષ્પ્રાણ દેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પાટણના ખાલકપુરા વિસ્તારમાં રહેતા વિકાસ પ્રજાપતિ નામના યુવકનો મૃતદેહ સિદ્ધિ સરોવરમાંથી મળી આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન, ફાયર વિભાગ અને SDRFની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સરોવરના પાણીમાં યુવકની ભાળ મેળવવા માટે સતત બીજા દિવસે પણ સઘન સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. બચાવ ટીમો દ્વારા ભારે જહેમત બાદ પાણીમાંથી વિકાસ પ્રજાપતિનો મૃતદેહ સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો.
યુવકનો મૃતદેહ મળતા જ તેના પરિવારજનો પર દુઃખનું આભ તૂટી પડ્યો છે અને સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ બનાવ અંગે પાટણ પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધીને યુવકે આ પગલું કેમ ભર્યું અને તેની પાછળનું અસલી કારણ શું હતું તે દિશામાં ઝીણવટભરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.




