પાટણની વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ ખાતે વંદે માતરમની ૧૫૦ મી વર્ષગાંઠની ઉજવણી કરાઈ..

જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર ની અધ્યક્ષતામાં સ્વદેશી શપથ ગ્રહણ કરાયા…

પાટણ તા. ૭
સમગ્ર ગુજરાતમાં ‘વંદે માતરમ’ ગીતની ૧૫૦ મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે રાજ્યભરમાં ૧૫૦ વિવિધ કેન્દ્રો પર રાષ્ટ્રગાનનું સામૂહિક આયોજન કરાયું હતું. પાટણની વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે પણ ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ ઐતિહાસિક સ્થળે મોટી સંખ્યામાં લોકોએ ‘વંદે માતરમ’ ગીતનું સામૂહિક ગાન કર્યું હતું. કાર્યક્રમમાં ભાજપ ના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સૌએ સાથે મળીને રાષ્ટ્રગીત ગાઈને દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપ્યો હતો.રાષ્ટ્રગાન બાદ ઉપસ્થિત વિદ્યાર્થીઓએ રાણકી વાવની અદ્ભુત કલાકૃતિ અને સ્થાપત્યને નિહાળી તેના ઇતિહાસ વિશે જાણકારી મેળવી હતી, આ ઉપરાંત, પાટણ જિલ્લા સેવા સદન ખાતે નિવાસી અધિક કલેક્ટર વી.સી.બોડાણાની અધ્યક્ષતામાં ‘વંદે માતરમ’ ગીત નિર્માણની ૧૫૦ મી જયંતિની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવેલ આ સાથે જિલ્લાભરની સરકારી કચેરીઓ ખાતે પણ આ ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે કાર્યક્રમની શરૂઆત ‘વંદે માતરમ’ ગીતના મૂળ સ્વરૂપના સમૂહગાનથી થઈ હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વદેશી શપથ ગ્રહણ કરી દેશપ્રેમની ભાવના વ્યક્ત કરી હતી.
નિવાસી અધિક કલેક્ટર વી.સી. બોડાણાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ‘વંદે માતરમ’ માત્ર ગીત નથી, પરંતુ તે ભારતની રાષ્ટ્રીય ચેતનાનું પ્રતિક છે. તેમણે ઉમેર્યું કે, ‘વંદે માતરમ’ના પ્રસાર અને પ્રચાર દ્વારા રાષ્ટ્રીયતા અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત બને છે તેમ જણાવી સ્વદેશી અપનાવવાનો સંકલ્પ દરેક નાગરિકે કરવો જોઈએ આનાથી ભારત દેશને આત્મ નિર્ભર અને મહાસત્તા તરીકે વિકસિત કરવામાં સહયોગ મળી શકે છે.
આ કાર્યક્રમમાં જિલ્લા કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here