ઉ.ગુ.યુવક મંડળ સંચાલિત શેઠશ્રી એન.જી.પટેલ (એમ એન) પ્રાથમિક શાળામાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે જગતપાલક ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવનો તહેવાર ધામધૂમથી મટકી ફોડીને ઉજવવામાં આવ્યો. ભગવાન શ્રીકૃષ્ણની જન્મ-જયંતી જન્માષ્ટમી પર્વની ઉજવણી શાળામાં હર્ષોઉલ્લાસ અને શ્રદ્ધાભેર કરવામાં આવી. જન્માષ્ટમી હિન્દુઓનો એક પ્રસિદ્ધ તહેવાર છે. આ પર્વ વિશે ભારતના દરેક બાળકો જાણે અને સમજે તે હેતુથી પાટણની શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન). પ્રાથમિક શાળામાં આ પર્વની ભવ્ય ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવેલ.



આ પર્વ અંતર્ગત શ્રીકૃષ્ણના જન્મથી લઈ મટકી ફોડના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ શાળામાં બાલમંદિર અને ધોરણ-1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વાસુદેવ,નંદલાલ, દેવકી, યશોદા, શ્રીકૃષ્ણ, રાધા વગેરે જેવા સુંદર પાત્રો ભજવી તેમને એક સુંદર પિરામિડ રચીને મટકી ફોડીને આ કાર્યક્રમને ખૂબ જ રસપદ બનાવેલ તેમજ ઉપસ્થિત તમામ લોકોને પોતાના અભિનયથી મંત્રમુગ્ધ કરી દીધા હતા.



આ કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો અને આચાર્યશ્રીએ પણ હાજરી આપી બાળકોના ઉત્સાહમાં વધારો કરેલ હતો. શ્રીકૃષ્ણ જન્મોત્સવ ની ઉજવણી સમયે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ સુંદર રાસ-લીલા પણ રચી હતી અને દહીં હાંડી ફોડ્યા બાદ ગોવિંદા આલા રે આલા……….. ગીત પર એક સુંદર ડાન્સ પણ રજૂ કરેલ.આ કાર્યક્રમ દ્વારા શાળાના પ્રાંગણને એકદમ ભક્તિમય બનાવી દીધેલ.
આ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકોને ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિતે પ્રસાદ વહેચવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના શિક્ષક મિત્રો દ્વારા કરવામાં આવ્યું. પ્રસંગના અંતે શાળાના આચાર્ય વસંતભાઈ પટેલે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શાળાના બાળકો અને શાળા સ્ટાફ પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.




