ગત વર્ષના 59% ની સરખામણીએ પરિણામમાં નોંધપાત્ર ઉછાળો: 2 વિદ્યાર્થીઓએ A1 અને 12 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા

પાટણ: બુધવાર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા ધોરણ-10 (SSC) ના પરિણામમાં પાટણની ઐતિહાસિક અને પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એમ. એન. હાઇસ્કૂલે મેદાન માર્યું છે. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત આ શાળાએ શૈક્ષણિક પરંપરા જાળવી રાખીને ચાલુ વર્ષે 76.47% જેવું ઉચ્ચ પરિણામ હાંસલ કર્યું છે.
પરિણામમાં પ્રગતિની હરણફાળ
નોંધનીય છે કે ગત વર્ષે શાળાનું પરિણામ 59% રહ્યું હતું, જેની સામે આ વર્ષે પરિણામમાં મોટો સુધારો જોવા મળ્યો છે. આ શૈક્ષણિક યશગાથા પાછળ આચાર્યનું કુશળ આયોજન અને વિષય શિક્ષકોના સઘન માર્ગદર્શનને મુખ્ય કારણ માનવામાં આવે છે.
તેજસ્વી તારલાઓનું સન્માન
શાળાના વિદ્યાર્થીઓએ ગ્રેડિંગમાં પણ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. કુલ 2 વિદ્યાર્થીઓએ ‘A1’ ગ્રેડ અને 12 વિદ્યાર્થીઓએ ‘A2’ ગ્રેડ પ્રાપ્ત કરી શાળાની યશકલગીમાં વધુ એક છોગું ઉમેર્યું છે.
શાળાના ટોપર્સ:
- પટેલ સ્વર કલ્પેશકુમાર: 98.02 PR (A1 ગ્રેડ) સાથે શાળામાં પ્રથમ.
- પટેલ ફેના અજયભાઈ: 96.36 PR (A1 ગ્રેડ) સાથે દ્વિતીય ક્રમ.
- પ્રજાપતિ ધવલ વિપુલકુમાર: 93.95 PR (A2 ગ્રેડ) સાથે તૃતીય ક્રમ.
અન્ય ઝળકતા વિદ્યાર્થીઓ:
શાળાના અન્ય તેજસ્વી વિદ્યાર્થીઓમાં પટેલ શ્વેત (94.12 PR), પટેલ હિત (93.44 PR), પટેલ જેની (91.43 PR), પટેલ યશ્વી (90.08 PR), પટેલ શુભ (89.29 PR), પટેલ જીમિત (86.15 PR) અને પ્રજાપતિ રુદ્ર (85.07 PR) એ પણ A2 ગ્રેડ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે.
અભિનંદન વર્ષા
વિદ્યાર્થીઓની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, મંત્રી મનસુખભાઈ પટેલ, આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે તેજસ્વી તારલાઓને અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે.




