શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં પ્રત્યેક વર્ગ – એક નાની સંસદ..


શેઠ એમ.એન. હાઈસ્કૂલમાં “માતૃશાળા” બની મતદાન શાળા – લોકશાહીની જીવંત તાલીમ…

પ્રત્યેક વર્ગ – એક સંસદ, દરેક પ્રતિનિધિ – એક જવાબદારી…

આદર્શ વર્ગ બનાવવાની દિશામાં દરેક વર્ગ પ્રતિનિધિ ની ભૂમિકા મહત્વપૂર્ણ – આચાર્ય ડૉ. ધનરાજ ઠક્કર

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ.એન. હાઈસ્કૂલ, પાટણ ખાતે તા. ૨૯ જુલાઈ, ૨૦૨૫ના રોજ શાળાના તમામ વર્ગો માટે લોકશાહી ઢબે વર્ગ પ્રતિનિધિની ચૂંટણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ શાળાના શિક્ષકો વિપુલભાઈ પટેલ તથા શ્રી પાર્થભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ અત્યંત સુવ્યવસ્થિત અને ઉત્સાહભેર યોજાયો.
વિદ્યાર્થીઓએ ઇવીએમ એપ્લિકેશન (EVM App) નો ઉપયોગ કરીને પોતાના વર્ગ પ્રતિનિધિઓની પસંદગી માટે મતદાન કર્યું. સમગ્ર મતદાન પ્રક્રિયા પરિપૂર્ણ લોકશાહી માહોલમાં, શિસ્તબદ્ધ રીતે અને સાચા અર્થમાં “માતૃ શાળા – એક નાની સંસદ” બની ગઈ હોય તેમ અનુભવી શકાઈ.
પ્રત્યેક વર્ગે મતદાન માટે પોતપોતાના પ્રિસાઇડિંગ અને પોલિંગ ઓફિસર તરીકે જવાબદાર વિદ્યાર્થીઓને નિમ્યા હતા. ઓળખપત્રની ચકાસણીથી લઈ આંગળી પર નિશાન લગાવવી અને મતકુટિર સુધી મતદારોને માર્ગદર્શન આપવાની તમામ પ્રક્રિયા વિદ્યાર્થીઓ દ્વારા જ સંચાલિત કરવામાં આવી.
આ અભ્યાસનો મુખ્ય હેતુ એ રહ્યો કે વિદ્યાર્થીઓ પાઠયપુસ્તકની બહાર આવીને પ્રજાસત્તાક ભારતની ચૂંટણીઓ કેવી રીતે યોજાય છે તેનું પ્રયોગાત્મક અને જીવંત જ્ઞાન મેળવે. આ પ્રયાસથી વિદ્યાર્થીઓને નાગરિક તરીકેની જવાબદારી પણ વહેલી બને છે.
મતદાન બાદ શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર દ્વારા તમામ ચૂંટાયેલા વર્ગ પ્રતિનિધિઓ સાથે વિશેષ બેઠક યોજવામાં આવી. તેઓએ દરેક વિદ્યાર્થીને જણાવ્યું કે –”એક પ્રતિનિધિ તરીકે તમે માત્ર ચુંટાયેલા વ્યક્તિ નથી, પણ તમારા વર્ગના સંગઠન અને ભાવિ વિકાસ માટે એક નેતા તરીકે જવાબદાર છો.” તેમણે વધુમાં ઉમેર્યું કે, “દર વર્ષે જે વર્ગ આદર્શ વર્ગ તરીકે ઊભરી આવશે, તેને શાળાનું સન્માનપ્રદ પ્રમાણપત્ર આપવામાં આવશે.”
અંતે આચાર્યશ્રીએ દરેક વિદ્યાર્થીને પ્રેરણાદાયક સંદેશ આપ્યો કે – “જ્યાં પ્રતિનિધિ નિષ્ઠાપૂર્વક પોતાની ભૂમિકા ભજવે છે, ત્યાં સમગ્ર શાળા સમૃદ્ધ દિશામાં આગળ વધે છે.”
આ લોકશાહી અભ્યાસ શ્રેણી શાળાના શિક્ષકમંડળ અને વિદ્યાર્થીમંડળના સમન્વિત પ્રયત્નોથી એક સ્મરણિય અનુભવ બની રહ્યો.



