
પાટણ શહેરની સુરમ્ય રેસીડેન્સીમાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું પરંતુ કામ પૂર્ણ થયા બાદ યોગ્ય રીતે પુરાણ કરવામાં ના આવતા સોસાયટીના રહીશોને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.


પાટણ સિધ્ધપુર હાઇવે માર્ગ ઉપર આવેલ 5 એલપી ભવનની પાછળની સુરમ્ય રેસિડેન્સીમાં માર્ચ મહિનામાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા ગેસ લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. ખોદકામ પૂર્ણ થયા બાદ એજન્સી દ્વારા યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી જેના કારણે ઠેરઠેર ભુવા પડી ગયા છે અને સોસાયટીનો વરંડો પણ પડી ગયો છે.જેના કારણે હાલમાં નગરપાલિકાની સફાઈ-કચરા ગાડીને પણ સોસાયટીમાં અવરજવરમાં તકલીફ પડી રહી છે. આ મોટા ભુવામાં જો કોઈ નાનું બાળક પડી જાય તો પણ જીવનું જોખમ રહેલું છે. સાબરમતી ગેસ એજન્સી દ્વારા પાઈપલાઈન માટે ખોદેલ ખાડાને ચાર મહિના જેટલો સમય થઈ ગયા છતાં સોસાયટીમાં હજુ પાઇપલાઇનનું કનેક્શન પણ આપવામાં આવ્યું નથી સ્થાનિક રહીશ હિમાંશુભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સુરમ્ય રેસિડેન્સીમાં માર્ચ મહિનામાં સાબરમતી ગેસ એજન્સી દ્વારા પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ કામગીરી પૂર્ણ થયા બાદ પણ સોસાયટીના રહીશોને આજદિન સુધી કનેક્શન આપવામાં આવ્યા નથી અને સોસાયટીમાં યોગ્ય પુરાણ પણ કરવામાં આવ્યું નથી જેના કારણે ભુવા પડી ગયા છે. જેના કારણે જાનમાલનું નુકશાન થાય એમ છે. સાબરમતી ગેસ એજન્સીના મેનેજરને વારંવાર રજૂઆત કરવામાં આવવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી,. સાબરમતી ગેસ એજન્સી દ્વારા તત્કાલિક ધોરણે સોસાયટીમાં ગેસ કનેક્શન આપવામાં આવે અને ભુવાનું યોગ્ય પુરાણ કરવામાં આવે તેવી સોસાયટીના રહીશોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે.



