ડો. બાબાસાહેબ આંબેડકરના મહિલા વિકાસ અને ‘શિક્ષિત બનો’ના સ્વપ્નને સાકાર કરતી ‘અપરાજિતા’ સંસ્થાની સરાહનીય પહેલ.


પાટણ:
ડો. બાબાસાહેબ આંબેડકરના મહિલા વિકાસના સ્વપ્નને સાકાર કરવા માટે ગુજરાત તુરી બારોટ સમાજની મહિલાઓ દ્વારા શ્રીમતી અંજનાબેન પરમારના અધ્યક્ષ પદ હેઠળ ગઠિત ‘અપરાજિતા’ સંસ્થાના ઉપક્રમે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાટણના ડો. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે પાટણ નગરપાલિકાના અધ્યક્ષ શ્રીમતી ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળના અધ્યક્ષસ્થાને ગુજરાતના તુરી બારોટ સમાજના જરૂરિયાતમંદ બાળકોના શૈક્ષણિક વિકાસ અર્થે ફુલસ્કેપ ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
કાર્યક્રમની શરૂઆત ડો. બાબાસાહેબ આંબેડકર ભવનના પ્રાંગણમાં આવેલ પૂજ્ય બાબાસાહેબની પ્રતિમા તેમજ તૈલચિત્રને પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન રાવળ સહિતના મંચસ્થ મહાનુભાવો દ્વારા પુષ્પાંજલિ અર્પીને કરવામાં આવી હતી. ત્યારબાદ શ્રીમતી યોગીનીબેન વ્યાસ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો.
સમારંભના અધ્યક્ષ સ્થાનેથી બોલતા પાટણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ચંદ્રિકાબેન પ્રહલાદભાઈ રાવળે જણાવ્યું હતું કે ”ગુજરાતના તુરી બારોટ સમાજની મહિલાઓ પરિવાર અને નોકરી-વ્યવસાયની સાથે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને સમાજના વિકાસને સાચા અર્થમાં આગળ વધારવાનું પ્રશંસનીય કાર્ય કરી રહી છે. ‘અપરાજિતા’ એટલે જેને કોઈ હરાવી ન શકે, જે ક્યારેય હાર ન માને. સમાજની વિધવા બહેનો અને જરૂરિયાતમંદ બાળકો માટે ડો. બાબાસાહેબ આંબેડકરના ‘શિક્ષિત બનો’ના મહામંત્રને ચરિતાર્થ કરવા સંસ્થાએ જે ચોપડા વિતરણનું ભગીરથ કાર્ય કર્યું છે તે બદલ હું તમામ બહેનોને અભિનંદન આપું છું અપરાજિતા સંસ્થા ની મહિલાઓ સમાજ ઉત્થાનનું અદ્ભુત કાર્ય કરી રહી છે
અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે આગળ વધી દેશનું નામ રોશન કરવા આહવાન કરું છું.”
અપરાજિતા સંસ્થાના અધ્યક્ષ શ્રીમતી અંજનાબેન પરમારે પ્રાસંગિક સ્વાગત પ્રવચન કરતા મંચસ્થ મહાનુભાવો સહિત તમામ સામાજિક આગેવાનો અને લાભાર્થીઓને આવકારતા હતા. જણાવ્યું હતું કે, અપરાજિતા સંસ્થા એ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે શરૂ કરાયેલા કાર્યોને આગળ ધપાવવા માટેનું એક સબળ માધ્યમ છે. ડો.બાબા સાહેબ આંબેડકરના વિચારોએ આપણા સર્વેનું પ્રેરક બળ છે.
આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ મહિલા નેતા અને ગુજરાત રાજ્ય મહિલા સુરક્ષા સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ શ્રીમતી યોગીનીબેન વ્યાસ, મહિલા અને બાળ આયોગના પૂર્વ સદસ્ય શ્રીમતી મધુબેન સેનમા, આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી શ્રીમતી અપેક્ષાબેન પટેલ, પાટણ જિલ્લા પંચાયત સદસ્ય શ્રીમતી દક્ષાબેન પરમાર, પ્રોફેસર ડો. ભારતીબેન શ્રીમાળી, પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી રેખાબેન જાદવ,પાટણ નગરપાલિકાના કોર્પોરેટર શ્રીમતી સાધનાબેન પરમાર વગેરેએ પ્રેરણાદાયી પ્રવચનો આપી આયોજક બહેનોને બિરદાવી હતી.
કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં આર્થિક સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓનું પણ સન્માન કરાયું હતું. આ સાથે જ નવનિર્વાચિત કોર્પોરેટરો, જિલ્લા પંચાયત સદસ્ય અને પાટણ નગરપાલિકાના અધ્યક્ષનું ડો. બાબાસાહેબ આંબેડકર લિખિત ‘હિન્દુ કોડ બિલ’ પુસ્તક અને શાલ ઓઢાડીને વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન નયનાબેન તુરી (નિશા)દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના અંતે અપરાજિતા સંસ્થાના મહામંત્રી શ્રીમતી મીનાબેન સોલંકીએ ઉપસ્થિત સર્વેનો આભાર વ્યક્ત કર્યો હતો.




