સરકારી ગાડીમાં ભાજપનું મટીરીયલ લઈ જવાતું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

.પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોરના પિતાનો વિડીયો આવ્યો સામે.

સામાન ભરીને જતાં જિલ્લા પંચાયતના પ્રમુખના પિતાએ ખુલાસો કરતા કહ્યું,  ‘દર્દીઓ માટેની પોષણયુક્ત કીટ છે’

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી સરકારી વાહન, (જિલ્લા પંચાયતની ગાડી)માં જિલ્લા પંચાયતના પ્રમુખના પિતા ભાજપનું મટીરીયલ ભરીને સમી લઈ જતાં હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. આ ઘટનાને પગલે રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.

પાટણ શહેર કોંગ્રેસના કાર્યકરો હર્ષદ વર્મા, હરગોવન મકવાણા, મનીષ ઠક્કર અને શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે આ સરકારી ગાડીને રોકી હતી. તેમણે વાહનમાં ભરેલા સામાન અને સરકારી વાહનનો રાજકીય ઉપયોગ કરવા અંગે સવાલ કર્યો હતો.

જવાબમાં, ગાડીમાં હાજર વ્યક્તિએ ‘આ સામાન અમે સમી ખાતે લઈ જઈએ છીએ, એમાં શું થયું?’ તેમ કહ્યું હતું. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક પટેલે, ભાજપ પર સત્તાના દુરુપયોગનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યું કે, સરકારી વાહનનો રાજકીય પક્ષના મટીરીયલની હેરફેર માટે ઉપયોગ કરવો, એ નીતિમત્તા વિરુદ્ધ અને લોકશાહીના સિદ્ધાંતોનું ઉલ્લંઘન છે. કોંગ્રેસે આ મામલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને, તપાસની અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખના પિતા બાબુજીનો સંપર્ક કરતા, તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ગાડીમાં ટીબીના દર્દીઓ માટેની પોષણયુક્ત કીટ અને પ્રસાદ હતો, જે સમીના નાયકા ગામે લઈ જવાઈ રહ્યો હતો. તેમણે ઉમેર્યું કે, કોંગ્રેસના વિરોધ બાદ આ સામાન પાછો મૂકી દેવાયો હતો, અને હવે તેને ખાનગી વાહનમાં લઈ જવામાં આવશે. તેમણે ભાજપનું કોઈ મટીરીયલ ન હોવાનો દાવો કરીને કોંગ્રેસના આક્ષેપોને ખોટા ગણાવ્યા હતા…….!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here