વિસ્તારના મહિલા નગરસેવિકા માનસી ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સુંદર આયોજન…
પાટણ તા. 21
પાટણ શહેરના હાર્દ સમા જૂનાગંજ બજાર વિસ્તારમાં ગુરૂવારે લોકકલ્યાણ, માનવસેવા અને ધર્મભાવનાનું સુંદર દૃશ્ય સર્જાયું હતું.
આ કાળઝાળ ઉનાળાની અસહ્ય ગરમી વચ્ચે રાહદારીઓ, વેપારીઓ તથા સામાન્ય જનતાને ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તેવા શુભ આશય સાથે પાટણ કર્મકાંડી બ્રાહ્મણ સંગઠન દ્વારા “ઠંડા પાણીની પરબ” નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ સેવાકીય આયોજન પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 8 માંથી ચૂંટાયેલ જાગૃત અને લોકપ્રિય નગરપાલિકા સભ્ય શ્રીમતી માનસીબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પાટણ કર્મકાંડી બ્રાહ્મણ સંગઠનના પ્રમુખ કનુભાઈ શુકલ (મહારાજ) ના ઉપક્રમે કરવામાં આવ્યું હતું.
સમાજ જીવનમાં ધર્મ માત્ર ઉપાસના પૂરતો સીમિત નથી પરંતુ જનકલ્યાણ અને પરોપકારનું જીવંત સ્વરૂપ છે તેવો સંદેશ આ આયોજન દ્વારા પ્રસરી ઉઠ્યો હતો.
આ પ્રસંગે પાટણ જગન્નાથમંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પિયુષઆચાર્યના વરદ હસ્તે પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમયે ઉપસ્થિત કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર અને મંગલધ્વનિ કરવામાં આવતા સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું.
આ આયોજન માટે જરૂરી સ્થળની મંજૂરી આપી સહકાર આપવા બદલ પાટણ નગરપાલિકાના ઉત્સાહી અને કાર્યદક્ષ ચીફ ઓફિસર પ્રત્યે પણ ઉપસ્થિત આગેવાનો દ્વારા આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. સમાજ જીવનમાં આવી સેવાકીય પ્રવૃત્તિઓ લોકોમાં પરસ્પર સ્નેહ, સહકાર અને માનવતાની ભાવના વધુ મજબૂત બનાવે છે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.
ગરમીની ઋતુમાં તરસ્યા લોકોને પાણી પિવડાવવું એ ભારતીય સંસ્કૃતિમાં મહાપુણ્યનું કાર્ય માનવામાં આવે છે. “પરોપકારાય પુણ્યાય” ની ભાવનાને જીવંત કરતી આ પાણીની પરબ પાટણ શહેરમાં સેવા અને સંસ્કારનું સુંદર ઉદાહરણ બની રહી છે.




