પાટણ: ઐતિહાસિક નગરી પાટણમાં આજે નગરપાલિકાની ચૂંટણીના મતદાન દરમિયાન એક અત્યંત કરુણ અને આઘાતજનક ઘટના સામે આવી છે. લોકશાહીના પર્વમાં ઉત્સાહભેર ભાગ લેવા પહોંચેલા એક વૃદ્ધાએ મતદાન મથકમાં પોતાનું બટન દબાવી મતાધિકારનો પ્રયોગ તો કર્યો, પરંતુ વિધિની વક્રતા એવી રહી કે મતદાન કર્યાની ગણતરીની મિનિટોમાં જ તેમનું અવસાન થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર માયાનગર વિસ્તાર અને મતદાન મથક પર શોકનું મોજું ફરી વળ્યું છે.
વિગતવાર માહિતી મુજબ, પાટણના માયાનગર વિસ્તારમાં રહેતા 60 વર્ષીય કમળાબેન અનિલભાઈ આજે સવારે નગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે બી.એમ. હાઈસ્કૂલ ખાતે નિર્ધારિત મતદાન મથકે પહોંચ્યા હતા. કમળાબેને મતદાન મથકની અંદર જઈને ઈવીએમ (EVM) મશીન પર પોતાની પસંદગીના ઉમેદવારને મત આપી પવિત્ર ફરજ અદા કરી હતી. જોકે, વોટિંગ પૂર્ણ કરી જેવી તેઓ મતદાન મથકની બહાર નીકળી રહ્યા હતા, ત્યારે અચાનક તેમની તબિયત લથડી હતી અને તેઓ મતદાન મથકની લોબીમાં જ ઢળી પડ્યા હતા. આ જોઈને ત્યાં હાજર પોલીસકર્મીઓ, અન્ય મતદારો અને ચૂંટણી સ્ટાફ તાત્કાલિક તેમની વહારે દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઈ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી.
એમ્બ્યુલન્સ મારફતે તેમને તાબડતોબ પાટણની જનતા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના તબીબોએ તેમને બચાવવા માટે પૂરતા પ્રયાસો હાથ ધર્યા હતા, પરંતુ કમનસીબે સારવાર દરમિયાન જ તેમનું દમ તોડ્યું હતું.
ચૂંટણીના માહોલ વચ્ચે બનેલી આ આકસ્મિક ઘટનાથી સ્થાનિક રહીશોમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે.. લોકશાહીના પર્વમાં પોતાનું છેલ્લું યોગદાન આપીને વિદાય લેનાર આ વૃદ્ધાના મોતે પાટણવાસીઓની આંખો ભીની કરી દીધી છે.




