પાટણ નગરપાલિકાની સરકારી ગાડી પાંચ દિવસ ગાયબ: લોગબુક ન બતાવવાના કારણે શંકા વધુ ઘેરાઈ

પાંચ દિવસથી ન દેખાતી નગરપાલિકા બોલેરો: હવે થશે કૌભાંડના ખુલાસાઓ ?

પાટણ નગરપાલિકાની વાહન શાખાની ગાડી GJ 24 GA 0885 નંબરની બોલેરો કેમ્પર છેલ્લા પાંચ દિવસથી નગરપાલિકા ખાતે હાજર ન હોવાના બનાવે તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. ગાડી ક્યાં ઉપયોગમાં લેવાઈ હતી, કોના હુકમેથી પાંચ દિવસ સુધી ગાયબ રહી હતી અને લોગબુક શા માટે છુપાવવામાં આવી રહી છે – તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે.

મળતી માહિતી અનુસાર, ગાડી ગાયબ હોવા અંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલ દ્વારા તપાસ કરવામાં આવી ત્યારે વાહન શાખાના સુપરવાઈઝરે લોગબુક બતાવવા ઇનકાર કર્યો હતો. ગાડી ક્યાં છે એવી પૂછપરછ કરતાં શરૂઆતમાં જણાવાયું કે બોલેરો કેમ્પર પાટણ મહિન્દ્રા શોરૂમમાં સર્વિસ માટે મુકાઈ છે. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે ગાડી પાટણમાં નહીં પરંતુ પાટણથી દૂર મહેસાણા મહિન્દ્રા શોરૂમમાં પણ સર્વિસમાં મુકાયેલી નહોતી.

ત્યાર બાદ પાટણ નગરપાલિકના વાહન શાખાના અધિકારી દ્વારા ઉડાઉ જવાબો અપાઈ રહ્યા હતા, જ્યારે નગરપાલિકા ઑફિસમાં બધી લોગબુક હાજર હોવા છતાં માત્ર આ ગાડીની લોગબુક ગાયબ હોવાનું પ્રકાશમાં આવ્યું હતું.

તપાસ દરમિયાન એમ પણ બહાર આવ્યું કે તા. 4/12/2025:  ગાડી સર્વિસમાં મુકાઈ હોવાનું કહેવામાં આવ્યું, પરંતુ શોરૂમમાં ગાડી સર્વિસમાં ન હતી અને કોઈ જોબકાર્ડ પણ બન્યું નહોતું. તા.  5 થી 9 ડિસેમ્બર સુધી: ગાડી પાટણ નગરપાલિકા કેમ્પસમાં નોન રિપોર્ટ હતી. તા. 9/12/2025 સવારે 3 વાગ્યે: ગાડી ચીફ ઓફિસરના વાહન સાથે મહિન્દ્રા શોરૂમના ગેટ પાસે પહોંચી. શોરૂમ બંધ હોવાથી ગેટમેનને ચાવી સોંપાઈ હતી. સવારે 8:30 વાગ્યે: ત્રણ કર્મચારી કથ્થઈ રંગની કેમ્પર સાથે પહોંચીને બોલેરો કેમ્પરને ત્યાંથી લઈને ફરી પાટણ તરફ નીકળી ગયા. તા. 9/12/2025 ના રોજ સવારે 11 વાગ્યા સુધી પણ નગરપાલિકામાં આ ગાડી જોવા મળી નહોતી. ગાડી પાંચ દિવસ સુધી ક્યાં વપરાઈ? કોના હુકમથી વપરાઈ? ડિઝલનો વ્યય કોના ખર્ચે થયો? – તેવા અનેક સવાલો સર્જાયા છે.

પાટણ નગરપાલિકાની આ સરકારી ગાડીનો દુરુપયોગ થયાની હકીકત સામે આવતા નગરજનોમાં રોષ ફેલાયો છે. પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે માંગણી કરી છે કે વાહન શાખાના કર્મચારીઓ ગાડીની સાચી માહિતી છુપાવે છે અથવા પાંચ દિવસ સુધી ગાડીનો ગેરકાયદે ઉપયોગ કરવામાં આવ્યો હોય તો સંડોવાયેલા તમામ અધિકારીઓ સામે કડક શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવે તેમજ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે.

પાટણની જનતાના ટેક્સના પૈસે ચાલતા પાટણ નગરપાલિકા તંત્રની ગાડીનો આ પ્રકારનો ઉપયોગ નગરપાલિકાની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું કરતો બનાવ ગણવામાં આવી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here