પાટણ નગરપાલિકા વોર્ડ નં.૩ ના પીંપળાગેટ પોલીસચોકી વિસ્તારમાં ભૂગર્ભ ગટર ચોકઅપ થતાં સ્થાનિકો તેમજ રાહદારીઓ ત્રાહિમામ…

ગટરમાંથી ઉભરાતા ગંદા પાણીની દુર્ગંધથી નાગરિકો પરેશાન, રોગચાળો ફેલાય તેવી ભીતી

પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર ૩માં આવેલા પીંપળાગેટ પોલીસચોકી વિસ્તારમાં ભૂગર્ભ ગટર વારંવાર ચોકઅપ થવાથી નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગુરુવારની વહેલી સવારે સગાળકોટડી મહોલ્લાની સામે આવેલ માર્ગ પર ગટર ચોકઅપ થતા ગંદું પાણી ઉભરાયું હતું, જેના કારણે આખો રસ્તો ગટરના પાણીથી છલોછલ થઈ ગયો હતો.

શિયાળાની વચ્ચે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાતા વિસ્તારના રહેવાસીઓએ નાક દબાવીને પસાર થવાનો વારો આવ્યો હતો. ગટરમાંથી આવતી દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારોમાં અસહ્ય વાતાવરણ સર્જાયું છે, જેના કારણે રોગચાળો ફેલાય તેવી ભીતી પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક નાગરિકોના જણાવ્યા મુજબ, આ વિસ્તારની ભૂગર્ભ ગટર અવારનવાર ચોકઅપ થાય છે છતાં પણ નગરપાલિકાની ગટર શાખા માત્ર દેખાવ પુરતી કામગીરી કરી રહી છે. ગંદા પાણીથી માર્ગો પર દૈનિક જીવન ખોરવાઈ રહ્યું છે અને રાહદારીઓ સહિત વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિક રહેવાસીઓએ નગરપાલિકાને આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માગણી કરી છે, જેથી વારંવાર થતી ગટરની સમસ્યા પરથી લોકો રાહતનો શ્વાસ લઈ શકે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here