પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિધાલય ગુજરાત ઝોન દ્વારા ઈશ્વરીય સેવાના ૬૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે વર્ષ ૨૦૨૫ને ડાયમંડ જયુબિલી વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ પ્રસંગે “બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ” નામના વિશિષ્ટ પ્રોજેક્ટનું ભવ્ય લોન્ચિંગ યુ.એન. દિવસ, તા. ૨૪ ઓક્ટોબર ૨૦૨૫, શુક્રવારના સાંજે ૫.૦૦ વાગ્યે અમદાવાદના ટાગોર હોલ ખાતે યોજાશે.
આ પ્રસંગે ઉદઘાટક તરીકે અમદાવાદ મહાનગરપાલિકાની મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન તેમજ મુખ્ય મહેમાન તરીકે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ૧૦૦ કરોડ શાંતિ દાનની મિનિટો એકત્ર કરવાનો મહામંગલ લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. યુ.એન. દિવસ ૨૪ ઓક્ટોબરથી શરૂ થનારી આ સેવા વર્લ્ડ મેડિટેશન ડે, તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી ચાલશે.
આ અવધિ દરમિયાન સમાજના દરેક વર્ગ — શૈક્ષણિક, સામાજિક, યુવા, મહિલા સંસ્થાઓ, સિનિયર સિટીઝન ગૃપ, સરકારી કાર્યાલયો, કોર્પોરેટ હાઉસ, ફેક્ટરીઓ અને સામાન્ય નાગરિકોને દરરોજ ઓછામાં ઓછા પાંચ મિનિટ માટે શાંતિમય મેડિટેશન અથવા પ્રાર્થનામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે.
બ્રહ્માકુમારીઝના પ્રતિનિધિઓએ જણાવ્યું કે આજના યુદ્ધગ્રસ્ત અને અશાંતિપૂર્ણ સમયમાં વૈશ્વિક શાંતિ માટે મેડિટેશન અને પ્રાર્થના જ માનવજાતને એકતાના સૂત્રમાં બાંધવાની સૌથી શક્તિશાળી શક્તિ બની શકે છે.
પ્રોજેક્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી એકત્ર થનારી આ શાંતિ દાનની મિનિટોનો રિપોર્ટ અંતે યુનાઈટેડ નેશન્સ (યુ.એન.) સમક્ષ રજૂ કરવામાં આવશે.
સંસ્થાએ સૌ નાગરિકોને આ અભિયાનમાં જોડાઈ “બિલિયન મિનિટ ઓફ પીસ અપીલ” માટે પોતાનું યોગદાન આપવા આમંત્રણ આપ્યું છે. ઈચ્છુક વ્યક્તિઓ પોતાના નજીકના બ્રહ્માકુમારી સેવાકેન્દ્ર પર જઈને પોતાની મેડિટેશન અથવા પ્રાર્થનાની મિનિટ નોંધાવી શકે છે.



