અનુ.જાતિના વિદ્યાર્થીઓ માટે અમલી શિષ્યવૃત્તિ, ફ્રી શિપ કાર્ડ, વિદેશમાં અભ્યાસ સાથે સરકારી યોજનાઓથી વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા…

પાટણ તા.૨૬
પાટણ યુનિવર્સિટીના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ ખાતે અનુસૂચિત જાતિ વિદ્યાર્થી વાલી મંડળ દ્વારા સમાજ કલ્યાણ વિભાગના અધિકારી ના સહયોગથી ઉચ્ચ શિક્ષણમાં જુદા જુદા અભ્યાસક્રમોમાં સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત માર્ગદર્શક સેમીનાર યોજાયો હતો.
જેમાં જુદી જુદી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ, ફ્રી શિપ કાર્ડ મેળવવા શું કરવું, ફ્રી શિપ કાર્ડ મળવાપાત્ર ન હોય તો તેવા વિદ્યાર્થીને અન્ય કઈ શિષ્યવૃતિ મળી શકે, FRC ધરાવતી ન હોય તેવી કોલેજોમાં ફ્રી શિપ કાર્ડ અમલ થાય કે નહીં ? જેવી બાબતોની માહિતી તેમજ વિદેશલોન સહાય જેવી સરકારની યોજનાઓની માહિતી સમાજકલ્યાણ વિભાગના કર્મચારી દ્વારા આપવામાં આવી હતી.
આજના આ સેમીનારમાં વાલીઓને મુંઝવતા તમામ પ્રશ્નોના ખૂબ જ સંતોષકારક પ્રત્યુતર મળ્યાનો આનંદ સર્વેએ અનુભવ્યો હતો.
આ માર્ગદર્શક સેમિનારમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થી વાલીઓએ ભાગ લીધો હતો.કાર્યક્રમમાં એચએનજીયુના પૂર્વ કૃલપતિ અને રજીસ્ટ્રાર ડૉ. રોહિતભાઈ દેસાઈ, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડો.કિરીટભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. અનુસૂચિત જાતિ વાલી મહામંડળના પ્રમુખ પ્રોફેસર રાજેન્દ્ર જાદવ તથા કોઓર્ડીનેટર જયેશભાઈ કાપડિયા, ચેતનભાઇ સુતરીયા અને તેમના સભ્યોએ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ વિદ્યાર્થી ભાઈઓને આવકાર્યા હતા. સહ આયોજક ઈશ્વરભાઈ પરમાર અને પાટણ સ્થિત સામાજિક કાર્યકરોએ કાર્યક્રમની સુંદર વ્યવસ્થા કરી હતી.



