પાટણ:
પાટણની ઐતિહાસિક ૧૪૪મી રથયાત્રામાં શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયના બે અદભૂત ટેબલોએ નગરજનોના આકર્ષણ જમાવ્યું હતું. શાળા દ્વારા શિક્ષણની સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક મૂલ્યોને ઉજાગર કરતા ટેબલોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું.


રમતગમત ક્ષેત્રે સિદ્ધિઓની ઝાંખી
શાળા દ્વારા રજૂ કરાયેલ પ્રથમ ‘સ્પોર્ટ્સ’ ટેબલોમાં SAG-DLSS સ્કૂલના વિદ્યાર્થીઓની વર્ષભરની સિદ્ધિઓને જીવંત કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે દેશ અને પાટણનું નામ રોશન કરનાર વિદ્યાર્થીની ડિનલ વિઠાણીની સિદ્ધિઓને વિશેષ સ્થાન મળતા તે દર્શકો માટે ખાસ આકર્ષણ અને પ્રેરણાનું કેન્દ્ર બની હતી.
ધાર્મિક આસ્થા અને સંસ્કારનો સંદેશ
બીજા ‘કૈલાશ દર્શન’ ટેબલોમાં શ્રાવણ માસના પાવન માહોલને અનુરૂપ ભગવાન શિવનું કૈલાશ ધામ અને મહાકાલના દિવ્ય સ્વરૂપની સુંદર ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી. આ ટેબલો દ્વારા અસુરી વૃત્તિઓનો નાશ કરી સદાચાર, એકતા અને લોકજાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
લોકપર્વ દ્વારા લોકજાગૃતિનો પ્રયાસ
આ પ્રસંગે શ્રી પાટણ જૈન મંડળના સ્થાનિક સમિતિના સભ્ય ધીરુભાઈ શાહ, ટી.ડી. સ્કૂલના આચાર્ય અને શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયના આચાર્ય ડૉ. બી.આર. દેસાઈએ જણાવ્યું હતું કે, “રથયાત્રા એ માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ સમાજમાં ભાઈચારો અને સંસ્કારોના સિંચનનું પવિત્ર લોકપર્વ છે. શાળા હંમેશા વિવિધ વિષયો દ્વારા સમાજને પ્રેરણાદાયી સંદેશ આપવાનો પ્રયત્ન કરે છે.”
શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલય પરિવારે સમગ્ર નગરજનોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી.




