પાટણ, તા. 16
પાટણ જિલ્લાના ધારણોજ ગામે આવેલા પવિત્ર યાત્રાધામ શ્રી જહુ માતાજીના મંદિરે અષાઢ સુદ બીજના પાવન પર્વે માતાજીનો પ્રાગટ્ય દિવસ ભક્તિભાવ અને ધાર્મિક ઉલ્લાસ સાથે ઉજવાયો હતો. સમગ્ર મંદિર પરિસરને રંગબેરંગી ધ્વજા-પતાકા અને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. વહેલી સવારથી જ માતાજીના દર્શન માટે હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને સમગ્ર વિસ્તાર જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો.

પ્રાગટ્ય દિવસ નિમિત્તે માતાજીને વિશેષ શણગાર સાથે ભવ્ય છપ્પનભોગ અન્નકુટ અર્પણ કરવામાં આવ્યો હતો. આ અન્નકુટના મુખ્ય દાતા તરીકે ધારણોજના વતની અને હાલ અમેરિકા સ્થિત શ્રી અશોકભાઈ ઘેલાભાઈ દરજી પરિવાર (MIT USA) દ્વારા સેવા આપવામાં આવી હતી. ભવ્ય અન્નકુટના દર્શન કરી ભક્તોએ માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.
મંદિરે પધારેલા હજારો શ્રદ્ધાળુઓ માટે શ્રી જહુ સેના ગ્રુપ (ગુજરાત) દ્વારા મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરાંત, ભક્તોને શુદ્ધ પીવાનું પાણી સહિતની તમામ જરૂરી સુવિધાઓ પણ સેવાભાવી દાતાઓના સહયોગથી ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.
સમગ્ર ધાર્મિક કાર્યક્રમનું આયોજન મંદિર ટ્રસ્ટના પ્રમુખ રેવાભાઈ દેસાઈ, મેનેજિંગ ટ્રસ્ટી નવીનભાઈ વાણિયા તેમજ સ્થાનિક યુવાનોના સહયોગથી સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું. શિસ્તબદ્ધ આયોજન વચ્ચે ભક્તોએ દર્શન, અન્નકુટ અને મહાપ્રસાદનો લાભ લઈ માતાજીના ચરણોમાં ભક્તિ વ્યક્ત કરી હતી.
પ્રાગટ્ય દિવસના આ પાવન અવસરે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું હતું અને હજારો ભક્તોએ શ્રી જહુ માતાજીના દર્શન કરી સુખ-સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.




