પાટણ શહેર અને જિલ્લામાં GST ઘટાડા થી ગત વર્ષ કરતા વાહનોની ખરીદીમાં 40%નો વધારો.

છેલ્લા અઢી માસમાં 1386 થી વધુ કાર અને 10418 ટુ વ્હિકલ નું વેચાણ થયું…

પાટણ તા. 4
પાટણ શહેર અને જિલ્લાના ઓટોમોબાઇલ બજારમાં આ વર્ષે નવરાત્રી પછી ધૂમ મચી ગઈ છે. કેન્દ્ર સરકારે ફોર-વ્હીલ અને ટુ-વ્હીલ વાહનો પર GSTમાં 10 ટકાના કરેલા તોતિંગ ઘટાડાના કારણે ગ્રાહકોને ડાઉન પેમેન્ટમાં સીધો 20% જેટલો મોટો ઘટાડો થયો હોયપરિણામે જિલ્લામાં છેલ્લા અઢી માસમાં 1386 થી વધુ નવી કાર અને 10418 બાઈક-એક્ટિવાનું વેચાણ થયું હોવાનું જાણવા મળ્યું છે.
આરટીઓ કચેરીના સત્તાવાર આંકડાઓ અનુસાર, આ વર્ષે થયેલું વેચાણ ગત વર્ષની સરખામણીએ ઘણું વધારે છે. ગત વર્ષે આ જ સમયગાળામાં 1006 કાર અને 7014 ટુ વ્હિકલ વેચાયા હતા.
વર્ષ 2024 માં કાર 1006 અને બાઇક એક્ટિવા 7014 વેચાયા હતા. વર્ષ 2025 માં આ સમય ગાળામાં કાર 1386 અને બાઈક અને એક્ટિવા 10,418 વેચાણ થઈ છે.વેચાણમાં આટલો મોટો ઉછાળો આવવા પાછળ મુખ્યત્વે બે કારણો જવાબદાર છે.
જેમાં GSTનો ફાયદો થતા ડાઉન પેમેન્ટમાં મોટો ઘટાડો સાથે તે સમય દરમિયાન દૂધ મંડળીની ડેરીઓમાં પગાર વધારો આવ્યો હોય ખેડૂતો પાસે આવક થતા ખરીદીમાં વધારો થયો છે.
શહેરની એક કાર શો-રૂમ ના સુત્રોએ જણાવ્યું હતું કે, GST ઘટાડાથી ગ્રાહકોને રૂ. 65,000નો સીધો ફાયદો થયો, જે શો રૂમની સ્કીમ સાથે મળીને લગભગ રૂ. 1 લાખ સુધી પહોંચી ગયો હતો. તેના લીધે બુકિંગ એટલા બધા હતા કે નવી કાર માટે 20 દિવસનું લાંબું વેઇટિંગ નોંધાયું હતું.
પશુપાલકોને દૂધ મંડળી મારફતે આર્થિક રાહત મળતા બાઈક-એક્ટિવાની ખરીદીનો ક્રેઝ વધતાં 7 દિવસનું વેઇટિંગ જોવા મળ્યું હતું.
આમ પાટણ શહેર અને જિલ્લામાં GST ઘટાડા થી ગત વર્ષ કરતા વાહનોની ખરીદીમાં 40%નો વધારો નોંધાયો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here