છ જિલ્લાઓ, 53 તાલુકાઓ, ધોરણ 9 થી 12 ના 600 થી વધુ વિદ્યાર્થીઓ અને ભારતને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવા તરફ એક ડગલું

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ગુજકોસ્ટ, ગાંધીનગર દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી સ્પર્ધા રાષ્ટ્રીય સ્ટેમ ક્વિઝ 4.0નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.


આ ક્વિઝનો હેતુ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે રસ જગાવી તેમનું તર્કશક્તિ અને વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવાનો રહ્યો હતો. આ ક્વિઝ સ્પર્ધામાં પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લી એમ કુલ 6 જિલ્લાના કુલ 53 તાલુકાઓમાંથી ધોરણ 9 અને 10 ના 321 વિદ્યાર્થીઓએ તથા ધોરણ 11 અને 12 ના 290 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાથે જ 53 તાલુકા કો-ઓર્ડિનેટર તથા 6 જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્રોના સંયોજકશ્રીઓ ની સક્રિય ઉપસ્થિતિ અને સહયોગ નોંધપાત્ર રહી હતી. ધોરણ 9 અને 10 માટે ઝોનલ રાઉન્ડ 29 જાન્યુઆરીના રોજ અને ધોરણ 11 અને 12 માટે 30 જાન્યુઆરી 2026ના રોજ યોજવામાં આવ્યો હતો. આ ક્વિઝ સ્પર્ધાનું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું, જેમાં પ્રિલિમ પરીક્ષા બાદ ટોપ વિજેતા વિદ્યાર્થીઓ માટે સ્ટુડિયો રાઉન્ડ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રીમતી હેતલબેન ઠાકોર (જિલ્લા પંચાયત પ્રમુખ, પાટણ) તથા ડૉ. પિન્કીબેન આર. રાવલ (આચાર્ય, જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થા, પાટણ) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત અન્ય આદરણીય વ્યક્તિઓ શ્રી બાબુભાઈ દેસાઈ (સરસ્વતી તાલુકા પંચાયત પ્રમુખ), શ્રી ઈશ્વરભાઈ દેસાઈ (સરસ્વતી તાલુકા ઉપપ્રમુખ), શ્રી સાહરભાઈ (સરસ્વતી તાલુકા પ્રતિનિધિ), વગેરે હતા. સ્ટુડિયો રાઉન્ડનું સંચાલન પ્રોફેસર આશુતોષ પાઠક દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં છ જિલ્લાના ટોચના 12 વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભા રજૂ કરી હતી. ગુજકોસ્ટના સલાહકાર ડૉ. નરોત્તમ સાહૂ અને મુખ્ય વૈજ્ઞાનિક અધિકારી ડૉ. પૂનમ ભાર્ગવના સહકારથી કાર્યક્રમ સફળ અને યાદગાર બન્યો. સમગ્ર આયોજન પાટણ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. સુમિત શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું. તેમણે જણાવ્યું કે, “વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે વિદ્યાર્થીઓમાં જાગૃતિ ફેલાવવી અને તેમનો કૌશલ્ય વિકાસ કરવો એ આ પ્રકારની પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ છે.” કાર્યકર્મના અંતે ઝોનલ રાઉન્ડના વિજેતા ટીમો ને ઈનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને ક્વોન્ટમ કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.




