પાટણ નગરના 1281માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પાલિકા ખાતે બેઠક મળી.

આગામી 8 ફેબ્રુઆરીએ નગર દેવી કાલીકા માતાના મંદિરે થી ભવ્ય શોભાયાત્રા નિકળશે…

રાજપૂત સમાજે શહેરમાં વનરાજ ચાવડાની પ્રતિમા પ્રસ્થાપિત કરવા પ્રસ્તાવ મુક્યો…

પાટણ તા. 30
પાટણ નગરના1281માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે શુક્રવારે નગરપાલિકાના સભાખંડમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી.
પાલિકા પ્રમુખ હિરલબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના વિવિધ સમાજ અને સંસ્થાઓના અગ્રણી
ઓ ઉપસ્થિત રહ્યા હતા. આગામી 8 ફેબ્રુઆરીના રોજ પાટણ નગરના સ્થાપના દિનની ભવ્ય ઉજવણીને સફળ બનાવવા માટે ઉપસ્થિત લોકોએ જરૂરી સૂચનો રજૂ કયૉ હતા.
વિક્રમ સંવત 802ના મહાવદ સાતમના દિવસે રાજા વનરાજ ચાવડા દ્વારા અણહિલવાડ પાટણ ની સ્થાપના કરવામાં આવી હતી.
આ ગૌરવશાળી ઇતિહાસને જીવંત રાખવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ નગરપાલિકા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને અન્ય સંસ્થાઓના સહયોગથી નગરના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે.
આ બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનો દ્વારા શહેરમાં રાજા વનરાજ ચાવડાની પ્રતિમા સ્થાપિત કરવા પ્રસ્તાવ રજૂ કરતા પાલિકા સેવક મનોજ પટેલે જણાવ્યું હતું કે, જો પ્રતિમા માટે યોગ્ય જગ્યા બતાવવામાં આવે તો આગામી બોર્ડ મીટિંગમાં આ પ્રસ્તાવ સર્વાનુમતે મંજૂર કરવામાં આવશે. પાલિકા પ્રમુખે તમામ કોર્પોરેટરોને આ બાબતે જાણ કરી જરૂરી સુવિધાઓ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
ઉજવણીના ભાગરૂપે, આગામી 8 ફેબ્રુઆરીના રોજ બપોરે 3:00 વાગ્યે નગરદેવી કાલિકા માતાના મંદિરથી પરંપરાગત ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન કરશે. આ શોભાયાત્રા બગવાડા દરવાજે પૂર્ણ થશે. કરણી સેનાના યુવાનો ડ્રેસ અને વિવિધ ટેબ્લો સાથે જોડાશે,જેમાં 51 યુવાનો રાજપુતાના પોશાકમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.
શોભાયાત્રાના સમાપન બાદ બગવાડા દરવાજે ઇતિહાસને ઉજાગર કરતા પ્રવચનો, વિવિધ સિદ્દી ધમાલ, મેવાસી નૃત્યો અને રમત-ગમત વિભાગ દ્વારા સાંસ્કતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 7 અને 8 ફેબ્રુઆરીના રોજ રાણકીવાવ મહોત્સવ અંતર્ગત નામાંકિત કલાકારોના કાર્યક્રમો પણ યોજાશે.
આ બેઠકમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, કન્વીનર યતીન ગાંધી, મહિપતસિંહ જાડેજા, મદારસિંહ ગોહિલ, મનોજ પટેલ,જયેશ પટેલ સહિત રાજપૂત સમાજના આગેવાનો અને નગરસેવકો સાથે ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here