પાટણ:
ઉત્તર ગુજરાતમાં પવિત્ર ધાર્મિક સ્થળો અને મંદિરોને નિશાન બનાવતી તસ્કર ટોળકીનો પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) પર્દાફાશ કર્યો છે. સમી પોલીસ સ્ટેશન વિસ્તારના કોડધા ગામે આવેલ જોગણી માતાના મંદિરમાં પાંચ દિવસ પૂર્વે થયેલી ચોરીનો વણશોધાયેલો ગુનો ભેદ ઉકેલી એલ.સી.બી.એ એક મહિલા, સોની વેપારી અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળ કિશોર સહિત કુલ ૬ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસ ટીમે આરોપીઓ પાસેથી ચોરીના દાગીના વેચીને મેળવેલી રોકડ રકમ રૂ. ૪૯,૦૦૦/- સહિત કુલ રૂ. ૮૪,૦૦૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે.
ગુપ્ત બાતમીના આધારે પાટણ કોર્ટ પાછળથી ફિલ્મી ઢબે દબોચાયા : બનાસકાંઠા રેન્જ આઈજીપી પરીક્ષિતા રાઠોડ તથા પાટણ પોલીસ અધિક્ષક વી.કે. નાયી દ્વારા જિલ્લામાં મિલકત સંબંધી વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા આપેલ કડક સૂચના અન્વયે એલ.સી.બી.ના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ખાનગી વાહનમાં પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, કોડધા ગામે જોગણી માતાના મંદિરમાં ચોરી કરનાર શખ્સો પાટણ શહેરની કોર્ટ પાછળ આવેલ શ્રમજીવી ભવાની મસાલા ત્રણ માળિયા બિલ્ડિંગ નજીક હાજર છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે તાત્કાલિક દરોડો પાડીને ત્યાંથી એક મહિલા અને સગીર સહિતના આરોપીઓને ઝડપી લીધા હતા.
ચોરીની મોડસ ઓપરેન્ડી: હોન્ડા સિટી કારમાં નીકળતા અને સોની દંપતીને માલ વેચતા : ઝડપાયેલા આરોપીઓની આગવી ઢબે પૂછપરછ કરતાં તેમણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપીઓ હોન્ડા સિટી ગાડી નંબર જી.જે.૦૨ બી.પી.૬૧૭૫ લઈને રાત્રિના સમયે નીકળતા હતા અને સમીના કોડધા ગામે જોગણી માતાના મંદિરની દાનપેટી તોડી રોકડ રકમ તેમજ ચાંદીના છતરની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ તેઓ ઊંઝા ખાતે રહેતા સોની વેપારી કમલેશભાઈ ભરતભાઈ તથા તેમની પત્ની કૃપાલીબેન સોનીને વેચીને રોકડા રૂપિયા મેળવી લેતા હતા.
તપાસમાં ઉત્તર ગુજરાતના અન્ય ૫ મંદિરોના ગુના પણ ડિટેક્ટ થયા: પોલીસની ઊંડાણપૂર્વકની પૂછપરછમાં આ તસ્કર ટોળકીએ સમી અને આસપાસના વિસ્તારના અન્ય પાંચ મંદિરોમાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે:
રાફુ ગામ: મોમાઈ માતાના મંદિરમાંથી માતાજીને ચઢાવેલી ૧૦૦-૧૦૦ ગ્રામ ચાંદીની ગાયની મૂર્તિ, હિંચકો અને દાનપેટીની રોકડ. દાદર ગામ: સ્પ્લેન્ડર બાઈક (GJ-24-D-1066) લઈને રાત્રિના સમયે ચામુંડા માતા તથા સિકોતર માતાના મંદિરમાંથી ચાંદીના છતર અને દાનપેટી તોડી રોકડની ચોરી. દાદર કેનાલ પાસે (ખેતરમાં): બુટ ભવાની માતાના મંદિરમાંથી ચાંદીનું બાઈક અને ચાંદીની જીભની ચોરી. નેળિયા વિસ્તાર (ખેતરમાં): જોગણી માતાના મંદિરમાંથી ચાંદીના છતર અને રોકડ રકમની ચોરી. ખાખલ ગામ: જોગમાયા માતા, ગોગા મહારાજ તથા સિકોતર માતાના મંદિરમાંથી સિકોતર માતા મંદિરમાં ચોરી કરી હોવાનુ કબુલ્યું હતુ.
પકડાયેલા આરોપીઓના નામ અને વિગત: ૧. સોમાજી જેહાજી ઠાકોર (હેમાસીયા) (મૂળ રહે. નોખા ગામ, તા. દિયોદર, જી. થરાદ; હાલ રહે. પાટણ કોર્ટ પાછળ, શ્રમજીવી ભવાની મસાલા પાસે) ૨. જોષ્નાબેન સોમાજી ઠાકોર (હેમાસીયા)(રહે. પાટણ) ૩. અજયજી સોમાજી ઠાકોર (હેમાસીયા) (રહે. પાટણ) ૪. પ્રતાપજી હેમચંદજી ઠાકોર (ઉણેચા) (મૂળ રહે. ફોરણા કોટડા ગામ, તા. દિયોદર; હાલ રહે. રણુજ ગામ, નરેશભાઈ પટેલના તબેલા પર, તા.જી. પાટણ) ૫. કમલેશભાઈ ભરતભાઈ સોની (ચોરીનો માલ રાખનાર વેપારી – રહે. ઉંઝા દરજી ચકલા, તા. ઊંઝા, જી. મહેસાણા) ૬. કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોર
પકડવાના બાકી (વોન્ટેડ) આરોપીઓ : ૧. પ્રતાપજી બળવંતજી ઠાકોર (રહે. દાદર ગામ, તા. સમી, જી. પાટણ) ૨. જોષ્નાબેન પ્રતાપજી ઠાકોર (રહે. દાદર ગામ, તા. સમી, જી. પાટણ) ૩. સોની કૃપા ઉર્ફે કૃપાલી કમલેશભાઈ સોની (રહે. ઉંઝા દરજી ચકલા, તા. ઊંઝા)
કબ્જે કરેલો મુદ્દામાલ : રોકડા રૂપિયા: રૂ. ૪૯,૦૦૦/-, મોબાઈલ ફોન: ૦૪ નંગ (કિંમત રૂ. ૨૦,૦૦૦/-), મોટરસાયકલ: ૦૧ નંગ (કિંમત રૂ. ૧૫,૦૦૦/-), કુલ મુદ્દામાલ: રૂ. ૮૪,૦૦૦/-
આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ : પકડાયેલા આરોપીઓ રીઢા ગુનેગારો છે. મુખ્ય આરોપી સોમાજી ઠાકોર અને અજયજી ઠાકોર વિરુદ્ધ અગાઉ ચાણસ્મા, સિદ્ધપુર, શંખેશ્વર, હારીજ, બાલીસણા તેમજ બનાસકાંઠાના થરા, ગઢ, શિહોરી અને સમી પોલીસ સ્ટેશનમાં ચોરી, ઘરફોડ ચોરી અને પોક્સો એક્ટ સહિતના ૯ જેટલા ગંભીર ગુના નોંધાયેલા છે. જ્યારે વોન્ટેડ આરોપી પ્રતાપજી બળવંતજી ઠાકોર સામે ૧૧ જેટલા ગુના અને સોની કમલેશભાઈ સામે અગાઉ વાગડોદ, ઇડર, પાલનપુર અને ગાંધીધામમાં ચોરીનો મુદ્દામાલ ખરીદવા સબંધી ગુના નોંધાયેલા છે.
એલ.સી.બી. પાટણ દ્વારા આ તમામ આરોપીઓની BNSS ની કલમો હેઠળ અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સમી પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
પ્રશંસનીય કામગીરી કરનાર ટીમ : આ સફળ કામગીરીમાં એલ.સી.બી. પી.આઈ. આર.જી. ઉનાગર, પી.એસ.આઈ. એસ.બી. સોલંકી, પી.એસ.આઈ. પી.વી. ચૌધરી, એ.એસ.આઈ. જાલુભા બાલસંગજી, હેડ કોન્સ્ટેબલ કુલદીપ લક્ષ્મીદાસ, મૌલીકકુમાર, અતુલકુમાર તેમજ પોલીસ કોન્સ્ટેબલ કિરણભાઈ, મનુભાઈ, મહિલા કોન્સ્ટેબલ રોશનીબેન અને ડ્રાઈવર જાલમસિંહ તથા બિપિનકુમાર જોડાયા હતા.




