પાટણ,
પાટણ સીટી બી.ડીવીઝન પોલીસે એક પ્રશંસનીય કામગીરી કરીને અપહરણના ગુનામાં ભોગ બનનાર સગીર વયની દીકરીને શોધી કાઢી છે અને તેના પરિવાર સાથે સુખદ મિલાપ કરાવ્યો છે. સગીરા ગુમ થવા મામલે પરિવાર દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોર્પસ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, પાટણ સીટી બી.ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક ફરિયાદીની સગીર વયની દીકરી ગત તારીખ ૧૦/૦૪/૨૦૨૬ના રોજ ઘરેથી કોઈને પણ કહ્યા વગર અગમ્ય કારણોસર નીકળી ગઈ હતી. આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૧૩૭ (૨) હેઠળ અપહરણનો ગુનો નોંધવામાં આવ્યો હતો. દીકરીની કોઈ ભાળ ન મળતા આખરે ચિંતિત પરિવારે નામદાર ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને હેબિયર્સ કોર્પસ અરજી દાખલ કરી હતી.
ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી મળી સફળતા
બનાસકાંઠા રેન્જના પોલીસ મહાનિરીક્ષક (IGP) પરીક્ષિતા રાઠોડ તથા પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક (SP) વી.કે.નાયી દ્વારા ૧૮ વર્ષથી નીચેની ગુમ અથવા અપહરણ થયેલ વ્યક્તિઓને શોધવા માટે ખાસ ઝુંબેશ ચલાવવાની સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક (DySP) પરેશ રેણુકાના સીધા માર્ગદર્શન હેઠળ પાટણ સીટી બી.ડીવીઝન પોલીસની ટીમ તપાસમાં હતી. પોલીસ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, કોલ ડિટેઇલ્સ (CDR) અને હ્યુમન સોર્સ (બાતમીદારો) નો સઘન ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન પોલીસને ચોક્કસ કડી મળી હતી કે સગીરા અમદાવાદમાં છે. મળેલી ચોક્કસ વિગતોના આધારે પાટણ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અમદાવાદ શહેરના નારોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભોગ બનનાર સગીરાને સલામત અને સ્વસ્થ હાલતમાં હસ્તગત કરી લીધી હતી. પોલીસે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી સગીરાનો તેના પરિવાર સાથે મિલાપ કરાવતા પરિવારના સભ્યોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા હતા અને તેમણે પાટણ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
કામગીરી કરનાર પોલીસ ટીમ
આ સફળ ઓપરેશનને પાર પાડવામાં પાટણ સીટી બી.ડીવીઝન પોલીસ મથકના એન.એ.શાહ (પોલીસ ઇન્સપેકટર, પાટણ સીટી બી.ડીવી.), વી.ટી.રાજપુત(પોલીસ સબ ઇન્સ્પેકટર), એસ.એસ.પરમાર(પોલીસ સબ ઇન્સ્પેકટર), અ.હેડ કોન્સ. દશરથસિંહ ભોપાજી, અ.પો.કો. ભરતકુમાર મફતલાલ, અ.પો.કો. મહેશભાઇ શીવાભાઇ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી




