પાટણ:
પાટણ જિલ્લામાં અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે બનાસકાંઠા રેન્જ આઈજીપી પરિક્ષીતા રાઠોડ તથા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે પાટણ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG)ને મોટી સફળતા મળી છે. SOG પોલીસ ઇન્સ્પેક્ટર જે.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ હારીજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે હારીજ-સમી રોડ પરથી ગેરકાયદે હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે.
પેટ્રોલિંગ દરમિયાન ટીમને ખાનગી રાહે આધારભૂત બાતમી મળી હતી કે, હારીજથી સમી જતા માર્ગ પર સરવાલ ગામની કેનાલથી આશરે ૫૦૦ મીટર આગળ જમણી બાજુ આવેલી બાવળની ઝાડીઓમાં એક વ્યક્તિ ગેરકાયદે હથિયાર સાથે આંટાફેરા કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે તુરંત સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરતાં સમીના મફતપુરા તળાવની પાળ પાસે રહેતો પીરાભાઈ જામાભાઈ સિંધી (ઉં.વ. ૩૦) વગર પાસ-પરમિટની દેશી હાથ બનાવટની બંદૂક (કિંમત રૂ. ૨,૫૦૦/-) સાથે રંગેહાથ ઝડપાઈ ગયો હતો.
પોલીસે બંદૂક કબજે કરી આરોપી વિરુદ્ધ હારીજ પોલીસ મથકે આર્મ્સ એક્ટની કલમ ૨૫(૧-બી)એ તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં SOG પીઆઈ જે.જી. સોલંકી, પીએસઆઈ એ.પી. ઠાકોર તથા સ્ટાફના શૈલેષભાઈ, નરેન્દ્રસિંહ, ભરતજી અને રંભાજી સહિતની ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી.




