ટેક્નોલોજી અને સંશોધન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ વધારતી સિદ્ધિ

એક જ ઉપકરણથી વિવિધ પરિસ્થિતિઓનું સ્માર્ટ મોનિટરિંગ કરવાની પરિકલ્પના; શિક્ષણ, ઉદ્યોગ, આરોગ્ય અને સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઉપયોગી બનવાની સંભાવના
પાટણ: સંશોધન, ટેક્નોલોજી અને નવીન શોધોના ક્ષેત્રે સતત કાર્યરત પાટણના શિક્ષણવિદ્, સંશોધક અને ઇનોવેટર ડૉ. જય ધ્રુવના નામે વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાઈ છે. તેમની નવીન ડિઝાઇન “IoT-Based Smart Monitoring Device” ને ભારત સરકારના પેટન્ટ કાર્યાલય દ્વારા મંજૂરી આપવામાં આવી છે.ભારત સરકાર દ્વારા આ ડિઝાઇનને ડિઝાઇન નંબર 486020-001, વર્ગ 10-05 હેઠળ મંજૂરી આપવામાં આવી.
આ નવીન ઉપકરણની ડિઝાઇનનો મુખ્ય ઉદ્દેશ ભવિષ્યની સ્માર્ટ મોનિટરિંગ ટેક્નોલોજી માટે સુવિધાજનક, કોમ્પેક્ટ અને આધુનિક માળખું ઉપલબ્ધ કરાવવાનો છે. વિશિષ્ટ ત્રિકોણાકાર સ્ટેન્ડ, ડિજિટલ ડિસ્પ્લે અને નિયંત્રણ વ્યવસ્થા ધરાવતી આ ડિઝાઇન IoT આધારિત મોનિટરિંગ સિસ્ટમના વિકાસ માટે ઉપયોગી બની શકે છે. આ પ્રકારની ટેક્નોલોજી દ્વારા તાપમાન, ભેજ, હવાની ગુણવત્તા, વિવિધ સેન્સરનાં માપદંડો તથા ઉપકરણોની કાર્યસ્થિતિ જેવી માહિતીનું રિયલ-ટાઇમ મોનિટરિંગ, ડેટા વિશ્લેષણ અને જરૂરિયાત મુજબ એલર્ટ સિસ્ટમ વિકસાવવાની સંભાવના રહેલી છે. ભવિષ્યમાં શિક્ષણ સંસ્થાઓ, વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ, ઔદ્યોગિક એકમો, હોસ્પિટલો, કૃષિ ક્ષેત્ર અને સ્માર્ટ કેમ્પસમાં આવી ટેક્નોલોજી ઉપયોગી બની શકે છે.
આ સિદ્ધિ અંગે ડૉ. જય ધ્રુવે જણાવ્યું હતું કે, “આજના યુગમાં માત્ર માહિતી મેળવવી પૂરતી નથી, પરંતુ માહિતીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણયમાં પરિવર્તિત કરવી એ જ સાચી ટેક્નોલોજી છે. ભારતના યુવાનોમાં અદ્ભુત સંશોધનશક્તિ અને સર્જનાત્મકતા છે. આપણે માત્ર વિદેશી ટેક્નોલોજીના ઉપયોગકર્તા નહીં, પરંતુ વિશ્વ માટે નવી ટેક્નોલોજીના સર્જક બનવાની દિશામાં આગળ વધવું જોઈએ.”
તેમણે વધુમાં જણાવ્યું કે, “આત્મનિર્ભર ભારત અને સમૃદ્ધ ભારત 2047નું સ્વપ્ન સાકાર કરવા માટે સ્વદેશી સંશોધન, નવીન ડિઝાઇન અને ટેક્નોલોજી આધારિત ઉકેલો વિકસાવવાનું અત્યંત જરૂરી છે. દરેક નવી શોધ માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહીં, પરંતુ રાષ્ટ્રની વૈજ્ઞાનિક ક્ષમતાને મજબૂત બનાવવાની દિશામાં એક પગલું છે.”
ડૉ. જય ધ્રુવની આ સિદ્ધિ યુવા સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની શકે છે. આ સિદ્ધિ મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા રાષ્ટ્રીય અભિયાનોની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.




