ખેલૈયાઓની સુરક્ષા સર્વોપરી: ૩૦થી વધુ સીસીટીવી અને ૩૫ સિક્યુરિટી ગાર્ડ્સ સાથે ‘રણકાર નવરાત્રી’ સજ્જ…
પાટણ:
ઐતિહાસિક નગરી પાટણમાં રોટરેકટ ક્લબ ઓફ પાટણ દ્વારા સતત ૧૬ વર્ષથી પરંપરાગત રીતે યોજાતા નવરાત્રી મહોત્સવના ભાગરૂપે આ વર્ષે પણ ‘રણકાર નવરાત્રી ૨૦૨૬’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ ૧૧ થી ૨૦ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાનારા આ મહોત્સવ અંગે આયોજકો દ્વારા પત્રકાર પરિષદ યોજી વિગતો જાહેર કરવામાં આવી હતી.
રણકાર 2026 ના સલાહકાર ઉત્કર્ષ પટેલના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૧૭થી ‘રણકાર’ નામે શરૂ થયેલું આ આયોજન કોઈ વ્યક્તિગત કાર્યક્રમ નથી પરંતુ એક સેવાભાવી સંગઠન દ્વારા ચાલતી પરંપરા છે. આ આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવરાત્રી દ્વારા એકત્રિત થતા ફંડમાંથી ઝૂંપડપટ્ટીના જરૂરિયાતમંદો, અનાથાશ્રમ અને શાળાઓમાં સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવાનો છે.
વધતી જતી મોંઘવારી વચ્ચે પણ પાટણની જનતા માટે ટિકિટનો દર રૂ. ૨૦૦ રાખવામાં આવ્યો છે. હાલ ડિસ્કાઉન્ટ દરે ટિકિટ વિતરણ ચાલી રહ્યું છે અને નવરાત્રી શરૂ થતાં નિયમિત ભાવ લાગુ થશે.
ખેલૈયાઓ અને મુલાકાતીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપતાં આયોજકોએ જણાવ્યું હતું કે સમગ્ર ગ્રાઉન્ડમાં ૩૦થી વધુ સીસીટીવી કેમેરા, ૩૫થી વધુ સિક્યુરિટી ગાર્ડ્સ અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત, દર વર્ષની જેમ આ વખતે પણ માતાજીના મંદિરને આકર્ષક અને નવીન શૈલીમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેથી ધાર્મિક સંસ્કૃતિ જળવાઈ રહે.
આ પ્રસંગે નગરપાલિકામાં પૂર્વ કોર્પોરેટર મનોજભાઈ પટેલ, પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલ. તેમજ રોટરેકટ ક્લબ ઓફ પાટણના પ્રમુખ અવનિત પટેલ, મંત્રી હરેશ જોશી. પ્રોજેક્ટ હેડ ધવલ પટેલ. પૂર્વેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.




