પાટણ:
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે ‘ઇન્ડિયન ક્રિસ્ટલોગ્રાફી એસોસિએશન’ (ICA) ના નેજા હેઠળ ૫૩મા રાષ્ટ્રીય સેમિનાર — ‘સ્ફટિક વિજ્ઞાન અને દવા નિર્માણ’ (Crystallography and Drug Design – NSCDD-53) નું ત્રિદિવસીય ભવ્ય આયોજન તારીખ ૧૩ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન કરવામાં આવ્યું છે. યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે સવારે ૦૯:૦૦ વાગ્યે આ રાષ્ટ્રીય સેમિનારનું ઉદ્ઘાટન સત્ર યોજાશે.

યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે. સી. પોરિયાએ પત્રકાર પરિષદમાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંદાજે ૧૨ વર્ષ બાદ આ પ્રકારનો રાષ્ટ્રીય સેમિનાર યોજાઈ રહ્યો છે, જે યુનિવર્સિટી અને પાટણ માટે અત્યંત ગૌરવની ક્ષણ છે. આ સેમિનારમાં AIIMS દિલ્હીના પ્રો. ટી. પી. સિંહ મુખ્ય વક્તા તરીકે તથા GSBTMના મિશન ડિરેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા (IAS) સન્માનનીય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત, દેશની વિવિધ યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાંથી ૪૨ થી ૪૩ જેટલા જાણીતા વિજ્ઞાનીઓ અને સ્પીકર્સ ભાગ લેશે.
આ સેમિનારમાં અંદાજે ૨૪૫ જેટલા સંશોધકો અને શિક્ષકો સહભાગી થશે. કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે લેક્ચર એટેન્ડ કરવાની વિશેષ સુવિધા રાખવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન બે પ્રતિષ્ઠિત એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે. બહારથી આવતા તમામ મહેમાનો માટે રહેવા, જમવા તથા પાટણના ઐતિહાસિક સ્થળો જેમ કે રાણકી વાવ, પટોળા હાઉસ અને સહસ્ત્રલિંગ તળાવની મુલાકાત માટેની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. આ આયોજનને સફળ બનાવવા માટે KCG, GSBTM, GUJCOST અને CSIR જેવી સંસ્થાઓનો સહયોગ મળ્યો છે.
આ પત્રકાર પરિષદ અને પત્રકાર બેઠકમાં યુનિવર્સિટીના કુલપતિ પ્રો. કે. સી. પોરિયા, ઉંઝા સરકારી કોલેજના આચાર્ય ડૉ. જગદીશ પ્રજાપતિ, ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના એચ.ઓ.ડી. ડૉ. દર્શન વ્યાસ, અશ્વિનભાઇ મોદી તેમજ ડૉ. ભરત ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.




