કાર્યક્રમ સ્થળે દિવ્યાંગો ને જરૂરિયાત મુજબ નિશુલ્ક કૃત્રિમ હાથ, પગ લગાવી સહાયતા બક્ષી…

પાટણ તા. ૨૨
ભારત વિકાસ પરિષદ ગુજરાત ઉત્તર પ્રાંત ને સ્થાપનાના યશસ્વી ૨૦ વર્ષ થતાં રવિવારના રોજ લેમોનેટ પાર્ટી પ્લોટ,પાટણ ખાતે દ્વિદશક મહોત્સવની સ્વરૂપજી ઠાકોર મંત્રી ખાદી,ગ્રામોધોગ ગુજરાત સરકાર ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી.


કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ ભાવિપ ની પરંપરા મુજબ પૂર્ણ વંદેમાતરમ્ ગાન કમલેશ સ્વામી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમના ઉદ્ઘાટક રાષ્ટ્રીય સંગઠન મંત્રી સુરેશજી જૈન રહ્યા હતા. ભારત વિકાસ પરિષદ પાટણની બંન્ને શાખાની બહેનો દ્વારા ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સુંદર સ્તુતિ રજૂ કરવામાં આવી હતી.

ગુજરાત ઉત્તર પ્રાંતના પ્રમુખ કમલભાઈ ચંદારાણા એ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. જ્યારે સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ભરતભાઈ ઠક્કર સંયોજક એ રજૂ કરી હતી. ઉપસ્થિત મહેમાનો માં સુરેશજી જૈન, ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળી, હુડકોના ડિરેક્ટર કે.સી. પટેલ, ભાવિપ પશ્ચિમ વિભાગના અધ્યક્ષ લક્ષ્મીનિવાસ જાજુજી, ભા.વિ .પ પશ્ચિમ વિભાગ ના મહા સચિવ વિનોદભાઈ લાઠિયા અને. મંત્રી સ્વરૂપજી ઠાકોર વગેરે એ પ્રાસંગિક પ્રવચન કરી ભાવિપ ની સેવાને બિરદાવી હતી.
આયોજિત કાર્યક્રમમાં રકતદાન કેમ્પ તથા દિવ્યાંગ સહાયતા કેમ્પ નું આયોજન દાતાઓના સહયોગથી કરવામાં આવ્યું હતું કાર્યક્રમ સ્થળે દિવ્યાંગો ને જરૂરિયાત મુજબ નિશુલ્ક કૃત્રિમ હાથ, પગ લગાવી સહાયતા બક્ષી હતી.
દ્વિદશક કાર્યક્રમ ની ઉજવણીના ભાગરૂપે સાંસ્કૃતિક કાર્યક્રમો નું આયોજન વખાણવા લાયક રહ્યું. પાટણની બંન્ને શાખાની બહેનો દ્વારા સુંદર ગરબો રજૂ કરવામાં આવ્યો હતો. અણહિલવાડ પાટણ ની ધરાને ઉજાગર કરતું શૌર્યગાથા ને જીવંત કરતું યાજ્ઞિક ચૌહાણ દિગ્દર્શિત ” રાજમાતા નાયિકાદેવી” નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું જે સરાહનીય રહ્યું.
કાર્યક્રમના મુખ્ય વક્તા પદ્મશ્રી તુષાર શુક્લ નો કુટુંબ પ્રબોધન અંગેનું વક્તવ્ય ઉપસ્થિત જનમેદની ને ખૂબજ પ્રભાવિત કરી ગયું.
પદ્મશ્રી તુષાર શુક્લ એ તેમના પ્રેરણાદાયી પ્રવચનમાં બાળકોથી લઈને બુઝુર્ગો સુધી દરેકને લક્ષમાં રાખી લાગણી શીલ રજૂઆત કરી હતી. તેમણે ચકા ચકીની બાળવાર્તા નું ઉદાહરણ આપી દામ્પત્ય જીવનની સમજ આપી હતી, ઉપરાંત પ્રવર્તમાન સમયમાં નાના બાળકો- સંતાનો પર નાનપણથી જે બોઝ મૂકવામાં આવે છે બીજાના સંતાનો સાથે સરખામણી કરવામાં આવે છે તે અંગે માર્મિક ભાષામાં માર્ગદર્શન આપ્યું હતું. વૃદ્ધાશ્રમ અને સંયુક્ત કુટુંબ અંગે વાસ્તવિકતા તેમના વક્તવ્યમાં સ્પષ્ટ દેખાતી હતી. પદ્મશ્રી તુષાર શુક્લ નું સમગ્ર વક્તવ્ય માર્મિક રીતે, હળવી શૈલીમાં રમૂજ સાથે અને સાચેજ હૃદયને સ્પર્શી ગયું હતું.
ગુજરાત ઉત્તર પ્રાંતના દ્વિદશક કાર્યક્રમ માં હજારોની સંખ્યામાં ઉપસ્થિત પરિવારે સમગ્ર કાર્યક્રમના વખાણ કર્યા હતા.
આયોજિત કાર્યક્રમમાં પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, ઉત્તર પ્રાંત સાથે સંકળાયેલ તમામ શાખાના પ્રમુખ , મંત્રી, ખજાનચી, પદાધિકારીઓ, કારોબારી સભ્યો, આમંત્રિત મહેમાનો અને ભારત વિકાસ પરિષદ ના તમામ કાર્યકર્તાઓ, પત્રકાર મિત્રો ફોટોગ્રાફર મિત્રો અને વિશાળ જનમેદની ઉપસ્થિત રહી હતી.
પ્રાંત પ્રમુખ કમલભાઈ ચંદારાણા, કાર્યક્રમના સંયોજક ભરતભાઈ ઠક્કર, સહ સંયોજક શ્રીમતી મોનલબેન ચંદારાણા,પ્રાંત પદાધિ
કારીઓના માર્ગદર્શન નીચે ભાવિપ ની મુખ્ય શાખા અને સિદ્ધહેમ શાખા ના કાર્યકર મિત્રો અને સહભાગી મિત્રોએ કાર્યક્રમને સફળ બનાવવા અમૂલ્ય યોગદાન આપી ભારે જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સફળ સંચાલન જ્યોતિબેન પટેલ એ કર્યું હતું.કાર્યક્રમના અંતે પ્રાંતના મહામંત્રી વિશ્વેશભાઈ જોશીએ આભારવિધિ કરી હતી.



