નજીકના લોકો દૂર અને દૂરના નજીક: મોબાઇલના વળગણ પર ધારદાર નાટક “અમે બધા વાંકા તો એ મારીએ ફાંકા“

પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલ ખાતે તા. 9 મે 2026ની રાત્રે “મા નો પરિવાર” દ્વારા રજૂ થયેલું ગુજરાતી હાસ્ય નાટક “અમે બધા વાંકા તો એ મારીએ ફાંકા…” પ્રેક્ષકો માટે મનોરંજન સાથે સમાજને અરીસો બતાવતું સંદેશાત્મક નાટ્ય પ્રદર્શન બની રહ્યું હતું.

આજના સમયમાં મોબાઇલના વધતા દુરુપયોગ અને તેની અસરથી નજીકના સંબંધો કેવી રીતે દૂર થઈ રહ્યા છે તે વિષયને હાસ્ય અને વ્યંગ્યના મજબૂત તડકા સાથે રજૂ કરવામાં આવ્યો હતો. “મોબાઇલ દૂરના લોકોને નજીક લાવવા માટેનું સાધન છે, પરંતુ આજે નજીકના જ લોકો એકબીજાથી દૂર થઈ રહ્યા છે” જેવા અસરકારક સંદેશે પ્રેક્ષકોને વિચારતા પણ કરી દીધા હતા.
નાટક દરમિયાન પ્રેક્ષકો પેટ પકડીને હસ્યા હતા, તો બીજી તરફ કલાકારોના જીવંત અભિનય અને સંવાદોએ સૌનું દિલ જીતી લીધું હતું. તાળીઓના ગડગડાટથી સમગ્ર કન્વેન્શન હોલ ગુંજી ઉઠ્યો હતો અને કલા પ્રેમી પાટણવાસીઓએ કલાકારોને ઉમળકાભેર વધાવ્યા હતા.
નાટકના શુભારંભ પૂર્વે મહાકાળી માતાના ચરણોમાં દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં શ્રી કે.સી. પટેલ (HUDCO – Independent Director), સાહિત્યકાર અશોકભાઈ વ્યાસ, હાઈકોર્ટના વકીલ દર્શકભાઈ ત્રિવેદી, મુકેશભાઈ દેસાઈ (Reliance Foundation), ડો. પરિમલ જાની, કમલેશ સ્વામી (સહ-કન્વીનર – મા નો પરિવાર) તથા હસમુખભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા.
નાટકમાં પ્રિયલ પારેખ, નીલ સોની, કરિશ્મા કાચડીયા, તન્મય ખરસાણી, ભાવિશા ગોહિલ, મનન ખરસાણી, માનસી પંચાલ અને ગૌરાંગભાઈ (જે.ડી.) સહિતના કલાકારોએ ઉત્કૃષ્ટ અભિનયથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. નાટકના લેખક ઋષિકેશ ઠક્કર, દિગ્દર્શક નિસિતકુમાર બ્રહ્મભટ્ટ અને પ્રોડ્યુસર નિરવ શાહની ટીમે પાટણમાં એક યાદગાર અને સંદેશાત્મક નાટ્યસર્જન રજૂ કરી સૌની પ્રશંસા મેળવી હતી.




