રાજ્યમાં ચાલી રહેલી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટેની વિશેષ રાજ્યવ્યાપી ડ્રાઇવ અંતર્ગત સરસ્વતી પોલીસે એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પ્રોહીબિશન એક્ટ હેઠળના ગુનામાં નાસતા ફરતા આરોપી આબુરાજસિહ પ્રતાપસિહ ચૌહાણ (રહે. ચૌહાણગઢ, તા. અમીરગઢ, જી. બનાસકાંઠા)ને પોલીસે ઝડપી લીધો છે.
વિગત મુજબ, પોલીસ મહાનિદેશક તથા સી.આઈ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગાંધીનગરના આદેશ હેઠળ તા. ૨૭ ઓક્ટોબરથી ૧૦ નવેમ્બર ૨૦૨૫ સુધી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજ્યવ્યાપી ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. આ અભિયાનના ભાગરૂપે સરહદી રેન્જ કચ્છ-ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક વી.કે.નાથી દ્વારા અપાયેલ ડ્રાઈવ અંતર્ગત સરસ્વતી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.ડી. ચૌઘરીના માર્ગદર્શન હેઠળની સરસ્વતી પોલીસ સ્ટેશનની ટીમે ચુસ્ત કામગીરી હાથ ધરી ગુનો નં. ૧૧૨૧૭૦૪૧૨૫૦૩૭૬/૨૦૨૫ પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૮૧, ૮૩ તથા બી.એન.એસ.એસ કલમ ૭૨ મુજબ નોંધાયેલા ગુનામાં ફરાર આરોપીને તા. ૦૪ નવેમ્બર ૨૦૨૫ના રોજ રાત્રે ૨૩.૫૦ વાગ્યે ઝડપી લીધો હતો.
આ કાર્યવાહી દરમિયાન અ.હેડ.કોન્સ નરેન્દ્રભાઈ સેમાભાઈ તથા અ.પો.કોન્સ વિજયસિહ દોલતસિહ, રાજેશકુમાર શંકરભાઈ અને રાકેશભાઈ બચુભાઈએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી આગળની કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.



