
“વ્યાજના ચક્રવ્યૂહમાંથી મુક્તિ: રાધનપુરમાં વિચરતી જાતિના પરિવારો વગર વ્યાજની લોન મેળવી બન્યા આત્મનિર્ભર”
રાધનપુરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા સ્વનિર્ભરતાના સથવારે સન્માન સમારોહ યોજાયો

રાધનપુર: રાધનપુરના ગાયત્રી મંદિર ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો આર્થિક રીતે પગભર થાય, સ્વમાનભેર જીવન જીવે અને ધંધા-રોજગારમાં પ્રગતિ કરે તેવા ઉમદા હેતુથી સંસ્થા દ્વારા વગર વ્યાજની લોન સહાય આપવામાં આવી હતી. આ યોજનાનો લાભ લઈ સફળતાપૂર્વક પ્રગતિ કરનાર લાભાર્થીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો.
સચિવ મિત્તલબેન પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત
આ પ્રસંગે વિચરતા સમુદાય સમર્થન મંચના સચિવ શ્રી મિત્તલબેન પટેલે હાજરી આપી હતી. જે લોકોએ સંસ્થામાંથી વગર વ્યાજની લોન લઈને પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરી છે અને લોનના હપ્તા નિયમિત રીતે ભર્યા છે, તેમનું મિત્તલબેનના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે જ, જવાબદારીપૂર્વક લોનની વસૂલાત કરાવનાર આગેવાનોનું પણ બહુમાન કરાયું હતું. કાર્યક્રમ દરમિયાન ૩૦૦ જેટલા લાભાર્થીઓને જાતિના દાખલાનું વિતરણ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
વિવિધ સમુદાયોની વિશાળ ઉપસ્થિતિ
આ કાર્યક્રમમાં બજાણીયા, દેવીપૂજક, વાંસફોડા, વાદી, રાવળ, ઓડ, કાંગસિયા અને ફૂલવાદી જેવા વિવિધ સમુદાયના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઓફિસ ટીમના નિશાબેન માળીએ ઉપસ્થિત રહીને લોકોને વગર વ્યાજની લોન અને તેના ફાયદાઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકરોનો સહયોગ
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે:
- મોહનભાઈ બજાણીયા (પાટણ જિલ્લા સંયોજક)
- શંકરભાઈ બજાણીયા (કચ્છ જિલ્લા ફિલ્ડ કો-ઓર્ડિનેટર)
- ખોડાભાઈ (રાધનપુર તાલુકા કાર્યકર)
- પરેશભાઈ રાવળ (બનાસકાંઠા કાર્યકર)
આ ઉપરાંત સંસ્થા સાથે વર્ષોથી જોડાયેલા સેવાભાવી અગ્રણીઓ સોમાભાઈ બજાણીયા, ભરતભાઈ બજાણીયા, ઉમેદભાઈ મકવાણા, સિકન્દરખાન મલેક, ચિરાગભાઈ અને પ્રતાપભાઈ ઠાકોરે ભારે જહેમત ઉઠાવી હતી.




