વિપક્ષના મહિલા નગર સેવિકાએ ધટના સ્થળની મુલાકાત લઈ તાત્કાલિક મરામત હાથ ધરાવી…

પાટણ તા. ૧૬
રાધનપુર નગરપાલિકા તંત્ર ની કામગીરી સાવ ખાડે ગઈ હોય તેમ અવારનવાર વિવિધ સમસ્યાઓ સજૉતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે બુધવારે શહેરના મુખ્ય બજાર માર્ગ પર નર્મદા કોલોની સામે પીવાના પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા વગર વરસાદે વિસ્તાર જળબંબાકાર બનતા લોકો ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.
મુખ્ય પાણીની પાઈપ લાઈનમાં સજૉયેલ આ ભંગાણને કારણે હજારો લિટર પાણી નિરથૅક વહી જતું હોવા છતાં નગર પાલિકા તરફથી કોઈ પગલાં લેવામાં ન આવતા લોકો મા પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો.
તો આ બાબતે સ્થાનિક રહીશો અને દુકાનદારોએ વિપક્ષના નગરસેવિકા જયાબેન ઠાકોરનો સંપર્ક કરતા તેઓએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાલિકા તંત્રને ઘટનાનો વિડિઓ મોકલી ટેલીફોન થી જાણ કરતાં સફાળા જાગેલા પાલિકા તંત્ર એ તાત્કાલિક કમૅચારીઓને મોકલી ભંગાણ પાઈપની મરામત કામગીરી શરૂ કરાવી હતી.
લગભગ ત્રણ કલાકના વિલંબ પછી પાણીના વેડફાટને રોકવામાં કમૅચારીઓને સફળતા મળી હતી. આ ઘટનાએ નગરના પાણી વ્યવસ્થાપન અને તંત્રની કાર્યક્ષમતા સામે પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિક રહેવાસીઓએ ભવિષ્યમાં આવી સ્થિતિ ન સર્જાય તે માટે તંત્ર પાસે યોગ્ય કામગીરીની માંગ કરી છે. શહેરમાં પાણીની પુરવઠા પ્રક્રિયા પહેલેથી જ ખોરવાયેલી છે. પાઈપ લાઈન તુટવાની ઘટનાઓથી પાણીનો વેડફાટ વધી રહ્યો છે. આ સમસ્યા પર તાત્કાલિક પાલિકા તંત્ર એ ધ્યાન આપવાની જરૂર હોવાનો શહેરીજનોમાં સુર ઉઠવા પામ્યો છે.




