વાગડોદ પોલીસ સ્ટેશને કોંગ્રેસ અને દલિત મંચની રજૂઆત.

એટ્રોસિટી એક્ટ હેઠળ કડક કાર્યવાહીની માંગ.

ગુજરાતના રાજકારણમાં હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક અશોભનીય પોસ્ટને લઈને ભારે હોબાળો મચી ગયો છે. વડગામના લોકપ્રિય ધારાસભ્ય અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ જીજ્ઞેશ મેવાણી તેમજ દલિત સમુદાયની મા-બહેનો વિરુદ્ધ સોશિયલ મીડિયા પર અભદ્ર અને અપમાનજનક ટિપ્પણી કરવાના વિરોધમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
આ મામલે બનાસકાંઠા ભાજપ પ્રભારી ધવલ દવે અને સોશિયલ મીડિયા ડિપાર્ટમેન્ટના દક્ષેશ પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પાટણ સરસ્વતી તાલુકાના વાગડોદ પોલીસ સ્ટેશન ખાતે કોંગ્રેસ પરિવાર અને ગુજરાત રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કોંગ્રેસ પક્ષના આગેવાન જયેશભાઈ નગરિયા અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના પાટણ જિલ્લા પ્રમુખ હરગોવનભાઈ મકવાણાની આગેવાની હેઠળ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી છે. આ અગ્રણીઓએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો દુરુપયોગ કરી દલિત તથા મુસ્લિમ સમાજ વચ્ચે સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો અને મહિલાઓના આત્મસમાનને ઠેસ પહોંચાડવાનો ઘૃણાસ્પદ પ્રયાસ કર્યો છે.
આ પ્રકરણે એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીઝ) એક્ટ તેમજ ભારતીય ન્યાય સંહિતાની કલમો હેઠળ ગુનો નોંધીને કસૂરવારો સામે પાઠ ભણાવવા અને કડક જેલની સજા થાય તેવા રાહે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવા ઉગ્ર માંગ કરવામાં આવી છે.




