શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં શાનદાર પ્રદર્શન

શેઠ એમ એન હાઇસ્કુલના વિધાર્થીઓ સિદ્ધ એલ. દેસાઈ અને જૈમિન આર. પરમારની કૃતિને પ્રથમ ક્રમ; જિલ્લા કક્ષાના પ્રદર્શન માટે પસંદગી

એસ.વી.એસ. કક્ષાના વિજ્ઞાન – ગણિત પ્રદર્શનમાં શેઠ એમ એન હાઇસ્કુલની
ત્રણ કૃતિઓએ મેળવ્યાં સ્થાન

જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગરની પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, પાટણ દ્વારા આયોજિત હેમચંદ્રાચાર્ય શાળા વિકાસ સંકુલ, પાટણના વર્ષ 2026-27ના એસ.વી.એસ. કક્ષાના 28મા વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું આયોજન પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલ, પાટણ ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય વિષય “ટકાઉ અને વિકસિત ભારત માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને ઇનોવેશન” હતો.

ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પાટણના વિદ્યાર્થીઓએ પોતાની આગવી સૂઝબૂઝ, સર્જનાત્મકતા અને વૈજ્ઞાનિક અભિગમના આધારે વિવિધ આકર્ષક કૃતિઓ રજૂ કરી હતી. શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ વિભાગોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો, જેમાંથી ત્રણ કૃતિઓએ પ્રથમ અને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું હતું.

વિભાગ-5, ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ સિદ્ધ એલ. દેસાઈ અને જૈમિન આર. પરમારે શાળાનાં મદદનીશ શિક્ષિકા વર્ષાબેન એ. પટેલ તથા શિક્ષક વિષ્ણુભાઈ પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ “સ્માર્ટ પૂર પૂર્વચેતવણી પ્રણાલી” (Smart Early Flood Warning System) નામની કૃતિ તૈયાર કરી હતી. આ કૃતિએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. આ બંને વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના વિજ્ઞાન-ગણિત પ્રદર્શનમાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે.
વિભાગ-2, હરિત ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણમાં ધોરણ-11 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ બારોટ ધાર્મિક ડી. અને રાવળ ઋષિલ પી.એ શાળાના મદદનીશ શિક્ષક અર્જુનસિંહ વાઘેલા તથા રમેશભાઈ વાગડિયાના માર્ગદર્શન હેઠળ “ક્લીન એર કંટ્રોલર” કૃતિ રજૂ કરી હતી, જેને દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો હતો.

તેવી જ રીતે, માધ્યમિક વિભાગના વિભાગ-4A, સ્વદેશી કૃષિ પદ્ધતિઓમાં ધોરણ-10ની વિદ્યાર્થીનીઓ પટેલ પૂર્વા એસ. અને ઠાકોર પલક પી.એ મદદનીશ શિક્ષક પ્રકાશભાઈ એમ. પટેલના માર્ગદર્શન હેઠળ “પાળાપદ્ધતિ” વિષય પર કૃતિ તૈયાર કરી હતી. આ કૃતિએ પણ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરીને શાળાને ગૌરવ અપાવ્યું હતું.
આમ, પ્રદર્શનમાં ભાગ લેનારી શાળાની કૃતિઓમાંથી ત્રણ કૃતિઓએ વિવિધ વિભાગોમાં સ્થાન પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓની પ્રતિભા અને શિક્ષકોના માર્ગદર્શનની સફળતા દર્શાવી હતી.
આ સફળતા બદલ ઉત્તર ગુજરાત યુવક મંડળના માનનીય પ્રમુખ ડૉ. જે. કે. પટેલ, આદરણીય મંત્રીશ્રી મનસુખભાઈ પટેલ, શાળાના ઉત્સાહી આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકોને હાર્દિક અભિનંદન પાઠવ્યાં હતાં. સાથે જ જિલ્લા કક્ષાના પ્રદર્શનમાં વધુ સારી સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.
શાળાના વિજ્ઞાન શિક્ષકો વર્ષાબેન, અર્જુનસિંહ વાઘેલા, રમેશભાઈ વાગડિયા, વિષ્ણુભાઈ પ્રજાપતિ, પ્રકાશભાઈ એમ. પટેલ, અલ્પેશભાઈ તથા દિવ્યાબેનના માર્ગદર્શનથી વિદ્યાર્થીઓને પોતાની વૈજ્ઞાનિક પ્રતિભા વિકસાવવાની તક મળી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here