પાટણ :
શ્રી તળ પાટણ દરજી સમાજ શિક્ષણ સમિતિ (રામજી મંદિર, ગોળ શેરી, પાટણ) દ્વારા સમાજના સર્વાંગી વિકાસ અને સેવાભાવના ઉદ્દેશ્યથી ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહ સાથે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટણ સહિત બહારગામના સર્વ જ્ઞાતિબંધુઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સમારોહ દરમિયાન સમાજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે પ્રમાણપત્રો અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા, જેથી તેઓને આગળ વધવા માટે પ્રેરણા મળે. સાથે સાથે માનવસેવાના ભાગરૂપે રોટરી ક્લબના સહયોગથી યમુના વાડી ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી, જેમાં સમાજના અનેક લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવતાની સેવા બજાવી હતી. આ પ્રસંગે સમાજમાં વિશિષ્ટ સેવા આપવા બદલ જયેશભાઈ દરજીનું પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં શિક્ષણ, ઉચ્ચ અભ્યાસ તથા સરકારી નોકરી પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો હતો. આ પ્રસંગે નીચે મુજબની સિદ્ધિઓને વિશેષ રૂપે સન્માનિત કરવામાં આવી:
- 40થી વધુ તેજસ્વી વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાનું વિશેષ સન્માન
- સમાજની પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર દાતાઓનું અભિવાદન
- 8 નવી કાયમી સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાનો તથા તેમના માતા-પિતાનું સન્માન
- વર્ષ 2024-25 દરમિયાન સ્નાતક, અનુસ્નાતક અને ડોક્ટરેટ (Ph.D.) જેવી ઉચ્ચ ડિગ્રી મેળવનાર અંદાજે 10 યુવાનો તથા તેમના માતા-પિતાનું સન્માન કરવામાં આવ્યું હતું.
સમારોહ સાથે યોજાયેલી રક્તદાન શિબિરમાં સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં ભાગ લઈ સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. સમગ્ર આયોજનથી સમાજમાં શિક્ષણ પ્રત્યે સકારાત્મક વાતાવરણ સર્જાયું હતું.

આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઈ વી. દરજી, રમેશભાઈ દરજી, રમેશચન્દ્ર કાંતિલાલ દરજી, શિક્ષણ સમિતિના અતુલભાઈ દરજી, રક્ષાબેન દરજી, જયેશભાઈ દરજી, રાજુભાઈ દરજી, જયેશ ઈશ્વરભાઈ દરજી, ભરત દરજી, કારોબારી સભ્ય પીનલભાઈ દરજી, ધવલભાઈ દરજી તથા મનોજ દરજી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સંદીપભાઈ દરજી દ્વારા કરવામાં આવ્યું હતું.



