વોર્ડ નંબર 3 ના ચૂંટાયેલા કોર્પોરેટરોને સન્માનિત કરાયા…


પાટણ તા. ૭
શ્રી સરસ્વતી મહિલા ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી ની વાર્ષિક સાધારણ સભા તથા વોર્ડ નંબર 3 ના ચૂંટાયેલા કોર્પોરેટરો નો સન્માન સમારોહ રવિવારે શહેરના ભેસાત વાડા પાસે આવેલ વિઠ્ઠલવાડી ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ ની શરૂઆત મહાનુભાવો ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી હતી ત્યારબાદ મંડળીના વાર્ષિક અહેવાલ ને વંચાણે લઈ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો હતો.
મંડળીનો નફો ચાલુ વર્ષે રૂ. ૨.૧૬ લાખે પહોંચ્યો હોય જે નારી શક્તિ અને આર્થિક સ્વાવલંબનના પ્રતીક સમાન હોવાનું લેખાવી મંડળીની ઉત્તરોત્તર પ્રગતિ અને પારદર્શક વહીવટને કારણે આ સામાન્ય સભા સભાસદ બહેનો માટે ઉત્સાહનો ઉત્સવ બની રહી હતી.
મંડળીના નીતિ-નિયમો મુજબ આ સભામાં પ્રમુખ પદ માટે કોઈ નવી વરણી કરવામાં આવી ન હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક સુકાન સંભાળી રહેલા પ્રમુખ અશ્મિબેન ભાટી જ મંડળીના સર્વોચ્ચ પદે યથાવત રહીને પોતાની સેવાઓ આપશે તેવી સૌએ જાહેરાત કરી હતી . સભાના મુખ્ય મંચ પરથી મોનાબેન,મીનાબેન, ગીતાબેન અને છાયાબેને ઉપસ્થિત રહીને તમામ સભ્યોને પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ ઉપરાંત સંસ્થાના મજબૂત વહીવટ માટે વિજયાબેન બારોટ મેનેજિંગ ડિરેક્ટર તરીકે, ગૌતમભાઈ બારોટ મેનેજમેન્ટ હેડ તરીકે અને પૂર્વ પ્રમુખ યોગીનીબેન વ્યાસ સક્રિય માર્ગદર્શક તરીકે સભામાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં રજૂ કરાયેલા નાણાકીય આંકડાઓ દર્શાવે છે કે મંડળી ખૂબજ મજબૂત આર્થિક સ્થિતિ તરફ આગળ વધી રહી છે જેના કારણે સભાસદોની સંખ્યા ૯૬ થી વધીને ૧૦૫ પર પહોંચી છે.
જરૂરિયાતમંદ બહેનોને પગભર કરવા માટેનું ધિરાણ રૂ. ૨૬.૫૪ લાખથી વધારીને રૂ. ૩૯.૧૭ લાખ કરવામાં આવ્યું છે.સંસ્થાનો વાર્ષિક નફો રૂ. ૧.૪૧ લાખથી વધીને રૂ. ૨.૧૬ લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે.મંડળીનું શેર ભંડોળ રૂ. ૯.૫૦ લાખ અને ફિક્સ બચત રૂ. ૧૭.૨ લાખ સુધી વિસ્તરી છે.
આ ભવ્ય સફળતા બાદ સભામાં વર્ષ ૨૦૨૫ ના વાર્ષિક અહેવાલ અને નફાની યોગ્ય ફાળવણીને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સાથે જ ભવિષ્યના આયોજન માટે વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર (બજેટ) રજૂ કરાયું હતું.
સંસ્થાના વિસ્તરણ માટે ખાલી પડેલી ૪ કારોબારી સભ્યોની જગ્યાઓ પર લાયક સભ્યોની નિમણૂક કરાઈ હતી, તેમજ મંડળીના કાર્યક્ષેત્રમાં જરૂરી ફેરફાર કરવા પેટાનિયમ કલમ બેમાં સુધારાની દરખાસ્ત અને આંતરિક ઓડિટરની નિમણૂક જેવા મહત્વના નિર્ણયો લઈ ઉપસ્થિત વોડૅ નં 3 ના નગરસેવકો ને સન્માનિત કરવામા આવ્યા હતા.




