સમગ્ર ભારતભરમાં સૌ પ્રથમવાર શ્રી જ્ઞાનસાર એક અધ્યાત્મ ગીતા ગ્રંથ નું શંખેશ્વર ખાતે વિમોચન કરાયું..

મલ્ટી ફોર કલરમાં તૈયાર કરાયેલ જ્ઞાનસાર ગ્રંથમાં 32 અષ્ટક નું બત્રીશી રૂપે ગુજરાતી અને હિન્દીમાં મહાગાન કરાયું છે.

પાટણ તા. ૪
શંખેશ્વર મહાતીર્થે આવેલ જહાજ મંદિર એન્કરવાલા ધામે માનવતાના મસીહા પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વજી મહારાજાના 50માં (ગોલ્ડન જ્યુબિલી) દીક્ષા દીનના અવસરે શાસ્ત્રીય સંગીત વિશારદ,ભક્ત કવિ,પ્રખર સંગીત તજ્ઞ્ય આશિષભાઈ મહેતા દ્વારા સૌ પ્રથમ વખત સમગ્ર ભારતભરમાં તૈયાર કરવામાં આવેલ શ્રી જ્ઞાનસાર એક અધ્યાત્મ ગીતા ગ્રંથ નું વિમોચન કરવામાં આવ્યું છે.
સુંદર રીતે તૈયાર કરવામાં આવેલ આ ગ્રંથના વિમોચન પ્રસંગે શ્રી અર્હદ મહાપૂજન અંતર્ગત મૌન વરિષ્ઠ મુનિશ્રી પૂણ્યરત્ન મહારાજ સાહેબ,મુનિશ્રી નયશેખર મહારાજ સાહેબ એવં સા.સુનંદિતાશ્રીજી મ.સા,સા.કૃતિનંદિતા શ્રીજી મ.સા,સા.અર્હમનંદિતા શ્રીજી મ.સા.અમીવર્ષાશ્રીજી મ.સા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શાસ્ત્રીય સંગીત વિશારદ આશિષભાઈ મહેતા દ્વારા પ્રકાશિત શ્રી જ્ઞાનસાર એક અધ્યાત્મ ગીતા ગ્રંથ નું વિમોચન કરી ગ્રથ ને પૂજય મુનિરાજશ્રી નય
શેખર મહારાજ સાહેબને અર્પણ કરવામાં આવેલ.
આત્મજ્ઞાન સાથે જોડી આપતા અનેક શાસ્ત્રો આપણે ત્યાં છે, એમાંનું એક શાસ્ત્ર તે ષડદર્શન શાસ્ત્રવેત્તા 350 વર્ષ પહેલાં મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજની અનુભૂતિની અમૃતવાણીના સ્વર્ણિમ પૃષ્ઠો જેમાં સમાયા છે એ ગ્રંથ “જ્ઞાનસાર- એક અધ્યાત્મગીતા”!! એનું વાંચન, શ્રવણ કરતાં કરતાં સાધક આત્મિક આનંદની અનુભૂતિને પામે છે અને પૂર્ણાનંદની અવસ્થાએ પહોંચે છે. જ્ઞાન મળે તો સત્યની સમજ મળે, આત્માની ઓળખ થાય, જીવનનો અર્થ સમજાય, ભૌતિક અને આધિભૌતિક જીવનના આટાપાટાની જે-જે ભ્રમણાઓ છે તે ભાંગે અને જીવનમાં જ્ઞાનનું, ભક્તિનું અજવાળું રેલાય.આ અજવાળાને ઝીલવા હંમેશા ઉત્સુક હોય છે સાધક.

વ્યક્તિ જ્ઞાનસારના શબ્દોમાં સમાયેલા ભક્તિના, શ્રદ્ધાના, સાધનાના, શરણાગતિના ભાવને સ્વરબધ્ધ કરીને ભાવપૂર્ણ અધ્યાત્મગીતા બહુજન હિતાયના ઉદ્દેશથી લઈને આવ્યા છે;જાણીતા સ્વરકાર અને સંગીતકાર, આશિષ મહેતા અમદાવાદમાં સ્થાયી થઈને તેમણે દેશ-વિદેશમાં,સમગ્ર ભારતભરમાં તથા ગુજરાતના અનેક પ્રદેશોમાં અને મહાનગરોમાં પોતાના ભક્તિ સંગીત થકી પોતાના સ્વરની સુગંધ પ્રસરાવી છે. તેમની વિશેષ ઓળખ એ છે કે તેઓ એમના કાર્યક્રમોમાં જૈન ધર્મના મૂળ સિદ્ધાંતોને,તત્વને,પરંપરાને સાચવીને પોતીકી રીતે નવા સમયને અનુરૂપ,પરિવર્તનોને સ્વીકારીને, અર્થપૂર્ણ પ્રસ્તુતિ કરીને,શ્રોતાઓના હૃદયમાં પોતાનું સ્થાન પામી શક્યા છે.
એમની સાથે વાત કરનાર,જાણનાર કે ઓળખનારને એમના સ્વભાવમાં સમાયેલા ઋજુતા અને આત્મીયતા,સહજતા અને સરળતા, કલ્યાણમિત્રની સંવેદના,સાધુ-સાધ્વી ભગવંતો અને ગુરુ ભગવંતો પ્રત્યેનો આદર તથા સ્નેહ,જૈન ધર્મની અને એ સિવાયના અધ્યાત્મ જગતની ઊંડી સમજ અને અભ્યાસ જેવા ગુણોનો સહજ પરિચય થાય છે.એમની વિવિધ પ્રસ્તુતિમાં એમના સ્વરમાં ચિંતનનો રણકાર, શબ્દોની વિવિધતા અને શબ્દોના ભાવની ઊંડાઈનું કૌશલ્ય અનુભવી શકાય છે.પરમાત્માના પાંચ કલ્યાણકોની ભકિતસભર સંગીતમય પ્રસ્તુતિ અંજનશલાકા એ તેમનો પ્રિય વિષય છે.તેઓ ગાયક અને સ્વરકાર તો છે જ,ખૂબ સારા અભ્યાસુ લેખક, સંકલનકાર અને વક્તા પણ છે. એટલે એમના વાણી પ્રવાહમાં જૈન ધર્મનું, ભારતની સનાતન સંસ્કૃતિનું, અધ્યાત્મજગતનું જ્ઞાન અર્થપૂર્ણ રીતે અનુભવી શકાય છે.
આવા સ્વરકાર અને સંગીતકાર આશિષ મહેતા દ્વારા “જ્ઞાનસાર- એક અધ્યાત્મગીતા” મૂળ ગ્રંથ તેના ગાન સ્વરૂપે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં શ્રુતભક્તિ સ્વરૂપે સાધકો સુધી પહોંચી રહ્યું છે.એ શ્રુતભક્તિ સંગીતના વાતાવરણમાં,સંગીતની દુનિયામાં,જૈન વિશ્વમાં એક અનુપમ ઘટના છે.
730 દિવસમાં જ્ઞાનસાર ગ્રંથ તૈયાર કર્યો,જૈન સમાજના તમામ ગ્રંથોનો નિચોડ આ ગ્રંથમાં પહેલીવાર જૈન સમાજમાં 4 મલ્ટી કલરમાં અને 3 ભાષામાં ગ્રંથ લખાયો. 350 વર્ષ પહેલા મહોપાધ્યય શ્રીમદ્દયશોવિજયજી એ આ ગ્રંથ લખ્યો હતો.હવે ડિઝિટીલાઇજેશનની સાથે શ્રાવકો સુધી પહોંચશે.
આ પ્રસંગે મુંબઇ,અમદાવાદ,કચ્છ,બનાસકાંઠા, ઉત્તર ગુજરાત વિગેરેથી ગુરુભક્તો સામાજિક, આધ્યાત્મિક અગ્રણીઓ સહિત પ્રશાસનના અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- યશપાલ સ્વામી પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here