સિદ્ધપુર હાઈવે પર ભવાની ટ્રાવેલ્સની લકઝરીમાંથી ₹૧.૪૩ લાખનો દારૂ ઝડપાયો :પાટણ LCB એ લકઝરી બસના ડ્રાઈવર-કંડક્ટર સહિત ૩ની કરી ધરપકડ

સિદ્ધપુર GIDC પાસે ફિલ્મી ઢબે ઓપરેશન: રાજસ્થાનથી આવતી બસમાંથી ૯૬૦ દારૂની બોટલો મળી

પાટણ: પાટણ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ સિદ્ધપુર નેશનલ હાઈવે પરથી પસાર થતી એક ખાનગી લક્ઝરી બસમાં છુપાવીને લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે આ મામલે ત્રણ આરોપીઓની અટકાયત કરી કુલ ₹૨૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
સોફાના ખાનામાં સંતાડ્યો હતો દારૂ
પ્રાપ્ત વિગતો મુજબ, સરહદી રેન્જ આઈજી ચિરાગ કોરડીયા અને પાટણ એસપી વી.કે. નાયીની સૂચનાથી એલ.સી.બી. પીઆઈ આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી કે રામદેવરાથી અમદાવાદ જતી ‘ભવાની ટ્રાવેલ્સ’ની લક્ઝરી બસ (નંબર AR-01-T-5645) માં દારૂની હેરાફેરી થઈ રહી છે. પોલીસે સિદ્ધપુર GIDC સામે બસને રોકી તપાસ કરતા પેસેન્જર સોફાના નીચેના ખાનાઓમાંથી વિદેશી દારૂની ૯૬૦ બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹૧,૪૩,૫૨૦/- થાય છે.
આરોપીઓની ધરપકડ અને મુદ્દામાલ
પોલીસે સ્થળ પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે:

  • ટીકમારામ ઉર્ફે કૈલાશ જાટ (ડ્રાઈવર, રહે. બાડમેર, રાજસ્થાન)
  • સ્વરૂપસિંહ સોઢા (ડ્રાઈવર કમ કંડક્ટર, રહે. બાડમેર, રાજસ્થાન)
  • મેઘસિંહ રાઠોડ (દારૂ લાવનાર, રહે. બાડમેર, રાજસ્થાન)
    પોલીસે ₹૧.૪૩ લાખનો દારૂ, ₹૨૫ લાખની લક્ઝરી બસ, ૫ મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ ₹૨૭,૦૩,૬૨૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.
    મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ
    તપાસમાં બહાર આવ્યું છે કે આ દારૂનો જથ્થો અમદાવાદના શાહીબાગ ખાતે રહેતા ગણપતસિંહ ચાવડાને પહોંચાડવાનો હતો. આ ગુનામાં ભવાની ટ્રાવેલ્સના માલિક ભવાનીસિંહ ભાટી, દારૂ મંગાવનાર ગણપતસિંહ અને દારૂ આપનાર ઠેકેદાર છોટાસિંહને પકડવાના બાકી છે.
  • આ સમગ્ર ઓપરેશન એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.જી. ઉનાગર ના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું. આ ટીમમાં ​શ્રી એસ.બી. સોલંકી, પોલીસ સબ ઇન્સપેક્ટર 
  • ​શ્રી પી.વી. ચૌધરી, પોલીસ સબ ઇન્સપેક્ટર 
  • ​દિનેશભાઇ ત્રિભોવનભાઇ, એ.એસ.આઇ. 
  • ​લખનકુમાર અમૃતભાઇ, અ.હેડ.કોન્સ. 
  • ​મનુભાઇ કરશનભાઇ, આ.પો.કોન્સ. 
  • ​જીતેન્દ્રસિંહ માનસિંહ, આ.પો.કોન્સ. 
  • ​ઇન્દ્રસિંહ લાખાજી, અ.પો.કોન્સ. સહિતના અધિકારીઓ અને કર્મચારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી:
  • હાલ પાટણ એલ.સી.બી. એ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી માટે સિદ્ધપુર પોલીસને સોંપ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here