સમાજને લેભગુ તત્વોથી નહીં છેતરાવા અપીલ
પાટણ
તાજેતરમાં પાટણ મોટી ભાટિયાવાડ ખાતે ‘૧૦૦ ગોળ રોહિત સમાજ’ના આગેવાનો અને કારોબારી સભ્યોની એક તાકીદની બેઠક પ્રમુખ અશોકભાઈ વીરાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં આગામી ૩૦ એપ્રિલ ૨૦૨૬ના રોજ સુરપુરા (તા. બેચરાજી) ખાતે યોજાનાર સાતમા સમૂહ લગ્ન મહોત્સવની પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બિનઅધિકૃત મંડળીઓથી સાવધ રહેવા સૂચના
સમાજના પ્રમુખ અશોકભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, કેટલાક લેભાગુ તત્વો બિનઅધિકૃત મંડળીઓ બનાવી સમાજના નામે દાન ઉઘરાવી રહ્યા છે. સમાજના લોકોએ આવા તત્વોથી છેતરાવું નહીં. જો કોઈને પણ દાન આપવું હોય તો સીધું સમાજની વાડીમાં આવીને પહોંચ મેળવી લેવી અથવા જ્યારે સમાજના ટ્રસ્ટીઓ રૂબરૂ આવે ત્યારે જ દાનની રકમ આપવી.
સમૂહ લગ્નનું આયોજન
સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ પ્રહલાદભાઈ વાલાભાઈ પરમારે જણાવ્યું હતું કે, આગામી ૩૦-૦૪-૨૦૨૬, ગુરુવાર (વૈશાખ સુદ ચૌદશ) ના રોજ સુરપુરા ગામે ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભોજન પ્રસાદ, પાણી, છાસ તેમજ અન્ય સામગ્રીની વ્યવસ્થા ગ્રામજનો દ્વારા કરવામાં આવશે.
સમાજની એકતા પર ભાર
સમાજના મંત્રી કીર્તિભાઈ જેઠાભાઈ પરમારે ૧૧૯ ગામોના ૧૦૦ ગોળ રોહિત સમાજને અપીલ કરી હતી કે, સમાજની એકતા જળવાઈ રહે તે માટે માત્ર અધિકૃત સમૂહ લગ્નમાં જ જોડાવું. અન્ય કોઈ પણ જગ્યાએ સમાજના નામે થતી જાહેરાતોમાં ન આવવા અને સમાજની ઉન્નતિ માટે સહકાર આપવા વિનંતી કરી હતી.
આ બેઠકમાં મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ લગ્નને સફળ બનાવવા માટે ઉત્સાહ દર્શાવ્યો હતો.




