ભારત અને અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના ટ્રેડ ડીલ (વેપાર કરાર)ને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત દ્વારા આ કરારનો સખત વિરોધ કરવામાં આવ્યો છે. આજે AAP દ્વારા ગુજરાતના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતને સંબોધીને એક પત્ર લખવામાં આવ્યો છે, જેમાં આ ટ્રેડ ડીલ તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી છે.

કૃષિ અને ઉદ્યોગો પર જોખમ
AAP એ પત્રમાં આક્ષેપ કર્યો છે કે ભારત સરકાર દ્વારા કરવામાં આવેલી આ ટ્રેડ ડીલ દેશની આર્થિક નીતિ અને ખાસ કરીને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઉભો કરે છે. પત્રમાં જણાવ્યા અનુસાર, જો અમેરિકન કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદનોને ભારતીય બજારમાં કરમુક્ત (ઝીરો ઈમ્પોર્ટ ડ્યુટી) પ્રવેશ આપવામાં આવશે, તો તેની સીધી અસર ભારતના ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ પર પડશે.
પત્રમાં ઉઠાવવામાં આવેલા મુખ્ય મુદ્દાઓ:
- ડેરી ઉદ્યોગ: અમેરિકન ડેરી ઉત્પાદનો પર આયાત ડ્યુટી નાબૂદ થવાથી ભારતીય પશુપાલકોની આજીવિકા જોખમાશે.
- ટેક્સટાઇલ અને કપાસ: જો ટેક્સટાઇલ ઉદ્યોગ અમેરિકન સ્પર્ધા સામે ટકી શકશે નહીં, તો કપાસ પકવતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાશે.
- માહિતીની ગુપ્તતા: AAP એ આરોપ લગાવ્યો છે કે ભારત સરકાર આ ડીલની વિગતો જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રીએ જાહેરમાં નિવેદન આપ્યું છે કે આ કરારથી અમેરિકન ખેડૂતો માટે ભારતનું વિશાળ બજાર ખુલી જશે.
આંદોલનની ચીમકી
આમ આદમી પાર્ટીએ રાજ્યપાલને વિનંતી કરી છે કે આ રાષ્ટ્રવિરોધી ડીલ રદ કરવામાં આવે. જો સરકાર આ દિશામાં યોગ્ય પગલાં નહીં લે, તો આમ આદમી પાર્ટી જનતાને જાગૃત કરવા માટે રાજ્યવ્યાપી આંદોલન અને કાર્યક્રમો કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.




