નર્તન નૃત્ય કલા સંસ્થા-પાટણ દ્વારા ‘ નૃત્ય પાસના ‘ રંગારંગ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. ૨૮
હેમ.ઉ.ગુ.યુનિ.ના કન્વેશન હોલ ખાતે નર્તન નૃત્ય કલા સંસ્થા પાટણ દ્રારા ગતરોજ ‘નૃત્ય પાસના ‘ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆતમાં પુષ્પાંજલિ,ગણેશ વંદના, અલારિપુ, જતીસ્વરમ, નટુસ્વરમ,મધુરાષ્ટકમ,કિર્તનમ,ગુરૂવંદના તેમજ કલાગુરુ મોનાબેન નાયક ના પુત્રી (શિષ્યા) આયુષીએ કથ્થક નૃત્ય દ્વારા સૌ ઉપસ્થિત શ્રોતાજનોને મંત્રમુગ્ધ કર્યા બાદ વિદ્યાર્થીનીઓએ ગુજરાતના લોકનૃત્ય ગરબા પ્રસ્તુત કરી ગુજરાતી સંસ્કૃતિ અને દક્ષિણ ભારતની સંસ્કૃતિ સાથે સંગમ કરાવતા સમગ્ર હોલ તાળીઓ ના ગડગડાટ થી ગુજી ઉઠયો હતો.
છેલ્લાં 32 વર્ષથી ભારતીય શાસ્ત્રીય નૃત્ય ભરતનાટયમની તાલિમ સંગીતજ્ઞ મોનાબેન મનોજ નાયક આપી રહ્યા છે. તેઓએ અત્યાર સુધીમાં પાટણ,અમદાવાદ,પાલનપુર, ડીસા,સિધ્ધપુર અને ઊંઝામાં આશરે 2,000 થી વધુ વિદ્યાર્થીઓને ભરતનાટ્યમ નૃત્યની તાલીમ,58 જેટલી વિદ્યાર્થીઓના આરંગેત્રમ અને 62 જેટલી વિદ્યાર્થીઓને વિશારદની પદવી અપાવી ઉત્તમ તાલીમ આપનાર એક ઉત્કૃષ્ટ કલાગુરુનું ઉદાહરણ પૂરું પાડી ઉત્તર ગુજરાતનું નામ સમગ્ર ગુજરાતમાં ઉજ્જવળ કર્યું છે.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાહિત્યકાર અશોકભાઈ વ્યાસે ભરતનાટ્યમ વિષયક વાતો કરી સૌને પાટણ પ્રાચીન સમયમાં નૃત્ય અને નાટયમાં મોખરે હતું. તેમજ પ્રાચીન પાટણના કલા વારસાને પાટણમાં જતન કરવાનું કામ હાલમાં મોનાબેન નાયક, તેમની પુત્રી ધ્વનિ નાયક અને આયુષી નાયક કરી રહ્યા છે તેમ કહી તેઓને બિરદાવ્યા હતા.
આ પ્રસંગે અશોકભાઈ વ્યાસ,શાંતિભાઈ સ્વામી, ડો.જીતુભાઈ પટેલ, હર્ષદભાઈ ખમાર,કમલેશ ભાઈ સ્વામી,જીતેન્દ્ર ભાઈ ઓતિયાં અને કલાયતન વિભાગના સંયોજક રોહિતભાઈ ચૌધરી (પાલનપુર વિદ્યામંદિર) તેમજ પત્રકાર યશપાલ સ્વામીએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું અલંકારીક ભાષામાં રસપ્રદરૂપે સંચાલન અશોકભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here