ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ આનંદ, આસ્થા અને આધ્યાત્મિકતા સાથે ઉજવાયો ગણેશોત્સવ

વિઘ્નહર્તા બાપ્પા – ધરતી માટેના વિઘ્નો દૂર કરવાનો સંદેશ


નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી (NGES) સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે આ વર્ષે ગણેશોત્સવનો ભવ્ય, આધ્યાત્મિક તથા પર્યાવરણમિત્ર ઉજવણી કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે વિદ્યાર્થીઓએ માતૃભૂમિ પૃથ્વીને થતા “વિઘ્નો” દૂર કરવાની સંકલ્પનાને જીવંત કરી સૌને પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાનો સંદેશ આપ્યો.

કાર્યક્રમની શરૂઆત શ્રી ગણેશજીના ભવ્ય સ્વાગતથી થઈ. NGESના મુખ્ય દ્વારેથી વિદ્યાર્થીઓએ આનંદપૂર્વક નૃત્ય, સંગીત અને “ગણપતિ બાપ્પા મોરિયા”ના ગર્જતા નાદ સાથે બાપ્પાને શાળામાં લાવ્યા. સમગ્ર વાતાવરણમાં આધ્યાત્મિકતા, આનંદ અને રોમાંચની લાગણી છવાઈ ગઈ.શાળાના પરિસરમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમો, નૃત્ય અને નાટિકાઓ રજૂ કરી, જેમાં ગણપતિ બાપ્પાના વિવિધ સ્વરૂપો તથા તેમના તાત્વિક મહત્ત્વને જીવંત દર્શાવવામાં આવ્યું. દરેક રજૂઆતમાં આ સંદેશ પ્રગટ થયો કે જેમ વિઘ્નહર્તા બાપ્પા આપણા જીવનમાંથી અવરોધો દૂર કરે છે, તેમ આપણે પણ પર્યાવરણમિત્ર જીવનશૈલી અપનાવી, પ્રદૂષણ ઘટાડીને અને કુદરતી સંસાધનોનું રક્ષણ કરીને ધરતીના વિઘ્નો દૂર કરવા પ્રતિબદ્ધ થવું જોઈએ.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત શ્રી જય ધ્રુવ સર તથા NGES સંચાલિત સંસ્થાના પ્રિન્સિપાલશ્રીઓ ઉપસ્થિત રહ્યા અને વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા તથા મૂલ્યો સાથે શિક્ષણ આગળ ધપાવવાના પ્રયાસો બદલ આશીર્વાદ આપ્યા.કાર્યક્રમના અંતે પ્રિન્સિપાલ ડૉ. ચિરાગ પટેલે સૌનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે: આપણે સૌ મળીને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખતા રહીશું તથા પર્યાવરણ જાગૃતિ સાથે તહેવારોની ઉજવણી કરીશું.



