દિઘડી ગામનો અશ્વ અણહિલ રાષ્ટ્રીય મંચે છવાયો,  80 ઘોડાઓને હરાવી ત્રીજા ક્રમે

પાટણનું ગૌરવ ‘અણહિલ’: પંજાબની ચેમ્પિયનશિપમાં સ્પ્લેન્ડર બાઈક અને ટ્રોફી સાથે સન્માનિત

પંજાબ રાજ્યના નૂરગઢ સ્ટડ ફાર્મ ખાતે ભવ્ય પ્રમાણમાં આયોજિત ‘ઇન્ડિયન હોર્સ ચેમ્પિયનશિપ’ માં પાટણ તાલુકાના દિઘડી ગામનો મારવાડી અશ્વ ‘અણહિલ’ સમગ્ર દેશમાં પોતાની આગવી ઓળખ બનાવવામાં સફળ રહ્યો છે. દેશભરના કુલ 80 પ્રતિસ્પર્ધી ઘોડાઓને પાછળ પાડી, અણહિલે ત્રીજું સ્થાન મેળવીને પાટણ જિલ્લામાં ગૌરવનો માહોલ સર્જ્યો છે.

સ્પર્ધાના અંતે અણહિલને ‘સ્પ્લેન્ડર બાઈક, ટ્રોફી તથા વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યો હતો. પ્રદર્શન દરમિયાન અણહિલે બતાવેલી દોડ, ચપળતા, બાંધણી અને આજ્ઞાકારિતાએ નિષ્ણાતોને પણ મંત્રમુગ્ધ કર્યા હતા. આ સિદ્ધિ બાદ દિઘડી ગામ અને પાટણ જિલ્લામાં ખુસીનો માહોલ જોવા મળી રહ્યો છે.

અણહિલનું ગૌરવશાળી વંશવૃક્ષ — રક્તમાં જ છે ચેમ્પિયનનો જજ્બો

અણહિલનો જન્મ સેવાળા ખોડીયાર સ્ટડ ફાર્મમાં થયો હતો, જ્યાં તેનું બ્રીડિંગ જાણીતા રાજુભાઈ દેસાઈ દ્વારા સંભાળવામાં આવ્યું હતું. અણહિલ માત્ર દેખાવ અથવા દોડમાં જ નહી, પરંતુ તેની વંશપરંપરા પણ અનોખી છે.

પિતા: ‘ગોલ્ડન રોક’, ઓલ ઈન્ડિયા ચેમ્પિયન. મારવાડી અશ્વ જગતમાં આ નામ અતિ પ્રતિષ્ઠિત ગણાય છે. ગોલ્ડન રોક ભારતના મારવાડી ઘોડાઓમાં સૌપ્રથમ એવા અશ્વ છે, જે 3 કરોડ રૂપિયામાં વેચાયા હતા.

માતા: ‘જસ્મા’, એક લેજન્ડરી મેર. જેના સૌંદર્ય, શારીરિક બાંધણી અને દોડની ક્ષમતાએ તેને દેશના ટોચના મારવાડી અશ્વોમાં સ્થાન અપાવ્યું છે.

આ બંને અશ્વોની શ્રેષ્ઠ ગુણવત્તા અને ક્ષમતાનો વારસો અણહિલે મેળવ્યો છે, જે તેની સિદ્ધિઓમાં સ્પષ્ટ રીતે દેખાય છે. અણહિલનું દરેક પગલું તેની બ્લડલાઇનની મૂલ્યતા સાબિત કરે છે.

માલિકોના પ્રયત્નો અને સંભાળ

અણહિલના માલિક આનંદભાઈ દેસાઈ અને શિવમ દલવાડી વર્ષોથી ઘોડાઓ પ્રત્યે વિશેષ રુચિ અને સમર્પણ ધરાવે છે. તેઓ અણહિલની દૈનિક દેખભાળ, તાલીમ, આહાર અને આરોગ્ય અંગે નિયમિત રીતે ધ્યાન આપે છે. અણહિલના તેજસ્વી પ્રદર્શન પાછળ તેમની મહેનત, સારી તાલીમ અને અશ્વપ્રેમનું મોટું યોગદાન છે.

ગામના આગેવાનો, મિત્રો અને અશ્વપ્રેમીઓ દ્વારા અણહિલની ટીમને વિશેષ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. દરેક વ્યક્તિ  આ સિદ્ધિને પાટણ જિલ્લા માટે ગૌરવની વાત ગણાવી રહ્યા છે.

મારવાડી અશ્વોમાં દેશભરમાં વધતી રસપ્રવૃત્તિ વચ્ચે પાટણ જિલ્લાના અણહિલે આપેલ પ્રદર્શન સમગ્ર ગુજરાત માટે ગર્વની બાબત છે. રાષ્ટ્રીય મંચ પર ત્રીજું સ્થાન હાંસલ કરવું માત્ર વ્યક્તિગત જીત નથી, પરંતુ સમગ્ર દિઘડી ગામ અને પાટણ જિલ્લા માટે એક ઐતિહાસિક સિદ્ધિ સમાન છે.

અણહિલની આ સફળતાએ ફરી સાબિત કર્યું છે કે પાટણ જમીનમાં માત્ર સંસ્કૃતિ જ નહીં, પરંતુ વિશ્વસ્તરીય અશ્વો ઉછેરવાની ક્ષમત પણ અદમ્ય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here