પાટણના ટીબી ત્રણ રસ્તા પાસેના પેટ્રોલ પંપ નજીકકારમાં આગ લાગતા લોકો ના જીવ પડીકે બંધાયા..

પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા સ્ટાફે સમય સૂચકતા વાપરી આગ પર કાબૂ મેળવ્યો…

પાટણ તા. 30
પાટણ શહેરના ટીબી ત્રણ રસ્તા પાસે આવેલા પેટ્રોલ પમ્પ નજીક શુક્રવારે મોડી સાંજે એક કારમાં અચાનક આગ ફાટી નીકળતા લોકો ના જીવ પડીકે બંધાયા હતા જોકે પેટ્રોલ પંપ પર ફરજ બજાવતા સ્ટાફની સતર્કતા અને તાત્કાલિક અગ્નિશામક સાધનોના ઉપયોગથી આગ પર કાબૂ મેળવી લેવાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
આ ઘટના પાટણના વ્યસ્ત ટીબી ત્રણ રસ્તા વિસ્તાર મોડી સાંજે બની હતી. કારમાંથી ધુમાડા નીકળ્યા બાદ અચાનક આગની જ્વાળાઓ દેખાતા આસપાસના લોકોમાં ગભરાટ ફેલાયો હતો. કાર ચાલકે સમયસૂચકતા વાપરી તુરંત જ ચાલતી કારમાંથી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.આગ લાગતાની સાથે જ પેટ્રોલ પંપ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક પંપમાં ઉપલબ્ધ અગ્નિશામક (ફાયર એક્સટિંગ્યુશર) સાધનો વડે આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પાણી અને કેમિકલનો ઉપયોગ કરીને આગને વધુ પ્રસરતી અટકાવવામાં આવી હતી.
પેટ્રોલ પંપ જેવા અત્યંત સંવેદનશીલ વિસ્તારની નજીક આગની આ ઘટના બની હોવાથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા. જો સમયસર આગ પર કાબૂ ન મેળવાયો હોત તો મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ હતી.
આગ કયા કારણોસર લાગી તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ શોર્ટ સર્કિટ એક સંભવિતકારણ હોઈ શકે છે. આ અકસ્માતમાં કારને મોટું નુકસાન થયું છે, પરંતુ સમયસરની કામગીરીને પગલે કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
અહેવાલ :- યશપાલ સ્વામી. પાટણ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here