પાટણ સાયન્સ સેન્ટર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ની ભવ્ય ઉજવણી કરાઈ

પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તારીખ 8 માર્ચ 2026 ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમાં 200 થી વધુ વિદ્યાર્થીનીઓ, શિક્ષિકાઓ, આંગણવાડી કાર્યકર તરીકે કામ કરતી મહિલાઓ અને ગામ પાણી સમિતિના સભ્યો તરીકે કામ કરતી મહિલાઓ સાથે સામાન્ય મહિલાઓએ આ કાર્યક્રમ માં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ કાર્યક્રમ નો મુખ્ય ઉદ્દેશ મહિલાઓને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પ્રેરિત કરવી તથા ગ્રામ્ય સ્તરે વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંરક્ષણ વિશે જાગૃત કરવાનો હતો. નિષ્ણાતો દ્વારા મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે, કેવી રીતે તેઓ વિજ્ઞાન, ટેક્નોલોજી અને નવીન સંશોધનો દ્વારા પોતાની કારકિર્દી અને સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
લોકપ્રિય મહિલા સામાજિક કાર્યકર ઉષાબેન બોચે મહિલા સહભાગીઓ સાથે વાર્તાલાપ કર્યો અને મહિલાઓના કલ્યાણ માટે વિવિધ સરકારી યોજનાઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમજ પાણી અને સ્વચ્છતા વ્યવસ્થાપન કચેરીમાંથી શ્રી મનોજભાઇ પટેલ (જિલ્લા કોર્ડિનેટર, વાસ્મો, પાટણ), શ્રી જયરામભાઈ દેસાઇ (આસિસ્ટન્ટ મેનેજર, એસ.એમ) દ્વારા સાત અલગ અલગ ગામડાની પાણી સમિતિની મહિલા સભ્યોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. ઉપરાંત આ દિવસે જિલ્લા સમુદાય મહિલા ક્લબ મહેસાણાથી આવેલી મહિલાઓએ સાયન્સ સેન્ટર ની મુલાકાત લીધી હતી તેમજ શાળામાંથી મુલાકાતે આવેલા વિદ્યાર્થીઓને પણ ડોક્યુમેન્ટ્રી શો બતાવીને દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડો. સુમિત શાસ્ત્રી એ જણાવ્યું હતુ કે, મહિલાઓનું સશક્તીકરણ વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રભાવ પાડી શકે છે. આ પ્રકારની ઉજવણી મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો કરશે અને દેશના વિકાસમાં પણ મહત્વનો ફાળો આપી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here