મહેસાણા:
મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પોલીસે મિલકત સંબંધી ગુનાઓને અંકુશમાં લેવાના અભિયાન હેઠળ એક સફળ કામગીરી કરી છે. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ફરી રહેલા એક ઈસમને ૬ નંગ બેટરી સાથે ઝડપી પાડી, પોલીસે ગુનાનો પર્દાફાશ કર્યો છે.
બાતમીના આધારે પોલીસે જાળ બિછાવી
ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ, મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી અને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા વિશેષ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને, ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એલ. પારગીના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓ અને કર્મચારીઓ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.
દરમિયાન, ટાઉન પાટીદાર પ્લાઝા પાસે પોલીસને ખાનગી બાતમી મળી હતી કે એક શખ્સ સફેદ રંગની પ્લાસ્ટિકની બેગમાં શંકાસ્પદ વસ્તુ લઈને જઈ રહ્યો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તે ઈસમને અટકાવ્યો હતો.
પૂછપરછ દરમિયાન ચોરીનો ઘટસ્ફોટ
પોલીસે પકડાયેલ ઈસમનું નામ પૂછતા તેણે પોતાનું નામ પઠાણ ઇર્શાદખાન કાજમખાન ઉસ્માનખાન (ઉ.વ. ૩૭, રહે. હુસેનીનગર, દેસાઈનગર, રામોસણા બ્રિજ પાસે, મહેસાણા) જણાવ્યું હતું. તેની પાસેની બેગમાં તપાસ કરતા એક ‘એમ્રોન’ કંપનીની કારની બેટરી મળી આવી હતી. આરોપી આ બેટરી અંગે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો અને ન તો તેની પાસે કોઈ બિલ કે દસ્તાવેજ હતા.
પોલીસે પોતાની યુક્તિ-પ્રયુક્તિથી કડક પૂછપરછ કરતા આરોપીએ ભાંગી પડતા કબૂલાત કરી હતી કે તેણે વધુ પાંચ બેટરીઓ દેલાવસાહત વિસ્તારમાં આવેલા ખરાબામાં ઝાડી-ઝાંખરામાં છુપાવીને રાખી છે. પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી તે તમામ પાંચ બેટરીઓ કબજે કરી હતી.
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ અને કાયદાકીય કાર્યવાહી
પોલીસે કુલ ૬ બેટરીઓ જપ્ત કરી છે જેમાં એમ્રોન કંપનીની બેટરીઓ (વિવિધ પ્રકારની): ૩ નંગ., એક્સાઇડ (EXIDE) કંપનીની બેટરી: ૧ નંગ., બોશ (BOSCH) કંપનીની બેટરી: ૧ નંગ., કેબી ગ્રીન (KB GREEN) કંપનીની બેટરી: ૧ નંગ.
આ તમામ ૬ બેટરીઓની કુલ કિંમત ૧૭,૫૦૦ રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપી પઠાણ ઇર્શાદખાનની કલમ ૩૫(૧)(ઇ) હેઠળ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સમગ્ર કામગીરીમાં પી.આઈ. આર.એલ. પારગી, પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.આર. જાડેજા, એ.એસ.આઈ. કૌશિકભાઈ, અજયસિંહ તેમજ પોલીસ સ્ટાફના જયદીપકુમાર, પિયુષભાઈ, સંકેતકુમાર, કંદર્પકુમાર, તરુણકુમાર, અબ્દુલગફાર, કલ્પેશકુમાર, મનિષકુમાર, ચેતનકુમાર અને હાર્દિકકુમારની ટીમે ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી.




