Patan : પાટણ જિલ્લામાં યોજાયેલી લોક અદાલતમાં અકસ્માત વળતર કેસમાં 94 લાખની મતબર રકમથી સમાધાન થયું

લોક અદાલત સિવિલ કેસ અને ક્રિમિનલ કેસ મુકવામાં આવ્યા

Patan : નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, નવી દિલ્હીના માર્ગદર્શન હેઠળ જિલ્લા મથક પાટણના ન્યાયમંદિર ખાતે રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ હતી. આ લોક અદાલતમાં વિવિધ કેસોના સુખદ સમાધાનની સાથે પાટણ નજીક રાજપુર પાસે એપ્રિલ 2021માં બનેલી અકસ્માતની ઘટનાના ઇન્સ્યુરન્સ કલેઇમના કેસમાં ઇન્સ્યુરન્સ કંપની દ્વારા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજની ઉપસ્થિતિમાં રુપિયા 94 લાખની માતબર રકમનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.
નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી, નવીદિલ્હી દ્વારા સમગ્ર દેશમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જે અનુસંધાને ગુજરાત કાનુની સેવા સત્તામંડળ દ્વારા નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ રાજ્યના તમામ જીલ્લાની કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ હતી. જે અંતર્ગત પાટણ ન્યાયમંદિર અને જીલ્લા કાનુની સેવા સત્તામંડળ દ્વારા રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામથક પાટણ સહિત તાલુકાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોકઅદાલત યોજાઈ હતી. પાટણના ન્યાયાલય ખાતે પ્રિન્સીપાલ ડિસ્ટ્રીકટ જજ ડી.એ.હિંગુ અને જિલ્લા કાનુની સેવા સત્તામંડળના સેક્રેટરી એમ.આર. ઠક્કરની ઉપસ્થિતિ વચ્ચે પાટણના ન્યાયમંદિર ખાતે યોજાયેલ લોક અદાલતમાં પાટણ નજીક રાજપુર ગામ પાસે ગત તા.28 એપ્રિલ 2021ના રોજ અલ્ટોકાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાબુભાઈ નામના વ્યકિતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
અલ્ટોકારમાં સવાર સંગીતાબેન તેમજ દિકરા હર્ષને ગંભીર ઈજાઓ થવા પામી હતી. ત્યારે તેમના અકસ્માતના વળતરનો દાવો વકીલ કનૈયાલાલ શર્મા, કલ્પેશ શર્મા અને હાર્દિક શર્મા દ્વારા રજુ કરવામાં આવ્યો હતો જે અનુસંધાને ટાટા એંઆઈ જનરલ ઇન્સ્યુરન્સ કંપનીના વકીલ પરાગ શાહ દ્વારા કંપની તરફથી વકાલાત કરવામાં આવી હતી. ત્યારે આ લોક અદાલતમાં મૃતકના અરજદારોને ડિસ્ટ્રીકટ પ્રિન્સીપાલ જજ ડી.એ.હિંગુ, કાનુની સેવા સત્તામંડળના સેક્રેટરી એમ.આર.ઠકકર સહિત અન્યવકીલોની ઉપસ્થિતિમાં રુપિયા 94 લાખની માતબર રકમથી સમાધાન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આ લોક અદાલતમાં સીવીલ કેસ, ક્રિમીનલ કેસો, ભરણપોષણ, ઇન્સ્યુરન્સ કલેઇમ, ડોમેસ્ટીક વાયલન્સ બેંકના દાવાઓ, વીજકંપનીને લગતા કેસો સહિતના વિવિધ કેસોની સુનાવણી અલગ અલગ કોર્ટમાં યોજાઇ હતી. જેમાં મહદ્અંશે તમામ કેસોનું સુખદ સમાધાન થયુ હતું.

પાટણના ન્યાય મંદિર ખાતે અલગ અલગ કોર્ટમાં યોજાયેલ કેસોની સુનાવણીનું પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અને કાનુની સેવા સત્તામંડળના સેક્રેટરીએ નિરીક્ષણ કરી મુલાકાત લીધી હતી….!

તસ્વીર અને અહેવાલ :- ઉપેશ પંચાલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here